Get The App

મીઠી નદીના પૂરને ખાળવા માહિમ કોઝવે પાસે નાનો ડેમ બંધાશે

ભરતી વખતે દરિયાનું પાણી નદીમાં ધસી આવતું અટકાવવા ફલડગેટ્સ રખાશે

Updated: Nov 14th, 2020

GS TEAM

Google News
Google News
મીઠી નદીના પૂરને ખાળવા માહિમ કોઝવે પાસે નાનો ડેમ બંધાશે 1 - image



મુંબઇ,તા.13 નવેમ્બર, 2020, શુક્રવાર

દર ચોમાસે મીટી નદીમાં આવતા પૂરને રોકવાના કાયમી ઉકેલ રૃપે મહાપાલિકાના માહિમ કોઝવેના મુખ પાસે નાનો ડેમ અને ફલડગેટ્સ બાંધવાનું વિચારી રહી છે.

આ યોજના હાથ ધરવા માટે પાલિકા તરફથી ટૂંક સમયમાં કન્સલ્ટન્ટ્સની નિમણૂક કરવામાં આવશે. આ કન્સલ્ટન્ટ્સની ફી રૃપે પાલિકા લગભગ ૩૦ કરોડ રૃપિયા ચૂકવશે. કન્સલ્ટન્ટ્સ આ યોજના કેટલી વ્યવહારૃ છે, તેનાથી  શું  લાભ થશે, મીઠી નદીની આસપાસના એરિયાનું સૌંદર્યકરણ કઇ રીતે કરવાનું અને મીઠીનના પૂરના પાણીને માટે નાનો ડેમ કયાં બનાવાશે વગેરે બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને પાલિકાને પ્રોજેકટ રિપોર્ટ આપશે.

મહાપાલિકાએ મીઠીના પૂરને રોકવા અને પ્રદૂષણમુકત કરવા માટે ત્રીજી વખત યોજના સૂચવી છે.અગાઉ મીઠી નદીને વધુ ઊંડી અને  પહોળી બનાવવા માટે મીઠી રિવર ડેવલપમેન્ટ પ્રોજેકેટ હાથ ધરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં પાલિકાએ મીઠી રિવર પોલ્યુશન કન્ટ્રોલ પ્રોજેકટ હાથ ધર્યો હતો. આટલું કર્યા પછી પણ ૨૦૧૯માં  ચોમાસા દરમિયાન ત્રણ વખત પૂર આવતા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું પાલિકા વિચારી રહી છે. ૧૭.૮ કિલોમીટર લાંબી મીઠી નદી વિહાર સરોવરથી નીકળીને માહિમના દરિયાને મળે છે.

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે દરિયામાં ભરતી વખતે સમુદ્રનું પાણી મીઠી નદીમાં ધસી આવે છે. દરિયાનું પાણી નદીમાં ન ધસી આવે માટે નાનો ડેમ અને ફલડગેટ્સ ગોઠવવાની વિચારણા ચાલી રહી છે.


Tags :