Get The App

ધો. 10, 12ના વિદ્યાર્થીઓને એક જ 'માર્કશીટ-કમ-સર્ટિફિકેટ' અપાશે

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ધો. 10, 12ના વિદ્યાર્થીઓને એક જ 'માર્કશીટ-કમ-સર્ટિફિકેટ' અપાશે 1 - image

મહારાષ્ટ્ર બોર્ડ હવેથી માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ અલગથી નહીં આપે

બોર્ડના સર્ટીફિકેટમાં નામ પણ હવે આધાર કાર્ડ મુજબ લખાશે, ટેક્નિકલ સમસ્યાઓ ટાળવા નવા નિર્ણયો લેવાયાનું સ્પષ્ટીકરણ

મુંબઈ -  મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળે (મહારાષ્ટ્ર બોર્ડ) ધો.૧૦ અને ધો.૧૨ના પરિણામોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૬ની પરીક્ષાઓથી વિદ્યાર્થીઓને હવે અલગ માર્કશીટ અને પાસિંગ સટફિકેટ આપવામાં નહીં આવે. તેના બદલે, બંનેને એક જ સંયુક્ત દસ્તાવેજ તરીકે 'માર્કશીટ-કમ-સટફિકેટ' આપવામાં આવશે. આ બદલાવનો મુખ્ય હેતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને વિદ્યાર્થીઓને જરૃરી શૈક્ષણિક દસ્તાવેજ એક સાથે ઉપલબ્ધ કરાવવાનો હોવાનું બોર્ડના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ સાથે જ, વિદ્યાર્થીઓના નામ છાપવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ અટક પહેલા, પછી વિદ્યાર્થીનું નામ અને પિતાનું નામ આવતું હતું. હવે આધાર કાર્ડ મુજબ નામનો ક્રમ રહેશે, એટલે કે વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ અને પછી અટક છપાશે. આ બદલાવથી પ્રવેશ પ્રક્રિયા અને અન્ય શાસકીય કામોમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે.

નવા સંયુક્ત દસ્તાવેજમાં આધુનિક સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે, જેમ કે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અને ચકાસણી માટે ક્યુઆર કોડ. આ ક્યુઆર કોડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ સરળતાથી દસ્તાવેજની સત્યતા ચકાસી શકશે, જેના કારણે નકલી પ્રમાણપત્રોની શક્યતા ઘટશે. ઉપરાંત, અગાઉ પરિણામ બાદ પાસિંગ સટફિકેટ મેળવવામાં થતો વિલંબ હવે ટળશે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ પાસિંગ સર્ટિફિકેટ લેવા પણ આવતાં નથી અને કૉલેજમાં જ વર્ષો સુધી પડયા રહે છે. વળી તે પાછળ બોર્ડનો જે વધારાનો ખર્ચ થાય છે, તે પણ આ નવા પગલાંને લીધે અટકશે.

ચોકસાઈ જળવાઈ રહે તે માટે શાળાઓ અને જુનિયર કોલેજોને વિદ્યાર્થીઓના નામ અને ફોટોગ્રાફની પૂર્વ ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ સુધારો જરૃરી હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવો પડશે. આ સુધારા દ્વારા સમગ્ર પ્રક્રિયા વધુ કાર્યક્ષમ, ઓછી ખર્ચાળ અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ બનવાની અપેક્ષા છે.