પુણેમાં શુક્રવારે પણ રેવ પાર્ટી યોજાઈ હતીઃ સીસીટીવી ફૂટેજ કબ્જે

ખડસેના જમાઈએ ૩ દિવસનું બૂકિંગ કરાવ્યું હોવાની ચર્ચા
ડ્રગ પાર્ટીમાં હાજર બે યુવતીઓને પોતે ઓળખતા ન હોવાનો ખડસેના જમાઈ ડો. પ્રાંજલનો દાવો
મુંબઈ - પુણે રેવ પાર્ટી કેસમાં પોલીસને વધુ મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ ડૉ. પ્રાંજલ ખેવલકરના નામે શુક્રવારથી રવિવાર સુધી સ્ટુડિયો એપાર્ટમેન્ટ બુક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ જગ્યાએ શુક્રવારે પણ પાર્ટી યોજાઈ હોવાનું ચર્ચા થઈ રહી છે. પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ માટે કબજે કર્યા છે.
પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રવિવારે વહેલી સવારે ખરાડી વિસ્તારમાં આવેલા એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ ડ્રગ પાર્ટી પર દરોડો પાડી ડૉ. પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાણી, સમીર સૈયદ, સચિન ભોંબે, શ્રીપાદ યાદવ, ઈશા સિંહ, પ્રાચી શર્માને પક્ડાય હતા. તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળકેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અહીં શુક્રવારે પણ પાર્ટી રાખવામાં આવી હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં નિખિલ, શ્રીપાદ અને બે યુવતીઓ હાજર હતી. તે પાર્ટીમાં પણ ડ્રગનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ દિવસમાં સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે એ તપાસ ચાલુ છે.
બીજી તરફ ડૉ. ખેવલકરે બંને યુવતીને ઓળખતા ન હોવાનો દાવો કર્યો હતો. તેમજ તેમણે પાર્ટીનું આયોજન કર્યું નહોતું એવું પોતાના બચાવમાં કહ્યું હતું. આથી બંને યુવતી તે જગ્યાએ કેવી રીતે આવી તે સ્પષ્ટ કરવું જરૃરી છે. પોલીસ તેમની પૃષ્ઠભૂમિની પણ તપાસ કરી રહી છે.
ખેવલકરના પત્ની અને એનસીપી (શર દપવાર)ના રાજ્ય પ્રમુખ રોહિણી ખડસે સોમવારે પુણે પોલીસ કમિશનર ઓફિસ ખાતે ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર નિખિલ મિંગળે સાથે મુલાકાત કરી હતી. તેમણે આ કેસની પારદર્શક તપાસ અને કોઈની સાથે અન્યય ન થાય તેની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
તટસ્થ કામગીરીનો પુણે પોલીસનો દાવો
ડ્રગ પાર્ટીના વીડિયો પોલીસે લીક કર્યાના ખડસેના આરોપો ફગાવાયા
પોલીસ પર શંકા ન કરોઃ બાતમીના આધારે દરોડો પાડયો હતોઃ પુૃણે કમિશનર
પુણેમાં રાજ્યના માજી મંત્રી એકનાથ ખડસેના જમાઈ ડો. પ્રાંજલ ખેવલકર ડ્રગ પાર્ટી કરતાં ઝડપાયા બાદ આ પાર્ટીના વિડીયો પોલીસે જાણીબૂઝીને લીક કર્યા હોવાનો આરોપો એકનાથ ખડસેએ કર્યા હતા. જોકે, પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ આક્ષેપો ફગાવી દીધા છે.
પોલીસની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરવાનું કોઇ કારણ નથી. સમગ્ર કાર્યવાહી પારદર્શકરીતે અને કાયદા મુજબ કરવામાં આવી હતી, એમ કુમારે પત્રકારોને જણાવ્યું હતું.
પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રવિવારે સવારે લગભગ ૩.૩૦ વાગ્યે ખરાડી વિસ્તારમાં આળેલા એક સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ડ્રગ પાર્ટી પર દરોડા પાડયા હતા. આ દરમિયાન ખડસેના જમાઇ ડો. પ્રાંજલ ખેવલકર અને અન્ય છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન કોકેન, ગાંજો, હુક્કા સેટ-અપ, દારૃની બોટલો જપ્ત કરી હતી.
પોલીસે ખેવલકરની ગતિવિધિઓ પર નજર રાખી હતી એવા આરોપો અંગે પૂછવામાં આવતા પોલીસ કમિશનરે કહ્યું કે પોલીસને ચોક્કસ માહિતી મળ્યા બાદ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો.








