Updated: Mar 18th, 2023
આવી બનાવટી નોટિસ તૈયાર કરતો દિલ્હીનો ઠગ કાશીમીરામાં ઝડપાયો
મુંબઇ: મીરા-ભાયંદરના એક પ્રખ્યાત બિલ્ડર અને તેમના ભાગીદારોને ઈડીની બનાવટી નોટિસ મોકલી ૬.૫૫ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે દિલ્હીથી ઇડીની બનાવટી નોટિસ તૈયાર કરનાર એક જણની ધરપકડ કરી છે. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર મીરા-ભાયંદરના બિલ્ડર આનંદ અગ્રવાલ, હરિષ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ અને જોર્ડન પરેરા આ ત્રણેય ભાગીદારને ઈડીની બનાવટી નોટિસ મોકલી ૬.૫૫ કરોડ રૂપિયાની ખંડણી વસુલવાનો પ્રયાસ થયો હતો. આ પ્રકરણે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ગૌતમ અગ્રવાલ, મિતેશ શાહ અને રાજુ શાહ સામે ૧૦ માર્ચના ખંડણીનો ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણે વધુ વિગતાનુસાર પોલીસે ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપીઓને નોટિસ બજાવી હતી. ત્યાર બાદ મિતેશ પોલીસ સામે હાજર થયો હતો. જ્યારે ગૌતમ અને રાજુ પોલીસ સામે હાજર થવામાં નિષ્ફળ નિવડયા હતા. આ પ્રકરણે વધુ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ઈડીની બનાવટી નોટિસ દિલ્હીમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિ કૃષ્ણકુમાર ઓમપ્રકાશ કૌશિકે બનાવી આપી હતી. કૌશિક સતત તેનું લોકેશન બદલી રહ્યો હતો. પોલીસની એક ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને દિલ્હીમાં જઈ વધુ તપાસ કરી ૧૬ માર્ચના કૌશિકને પકડી પાડયો હતો. તેને શુક્રવારે થાણેની કોર્ટમાં હાજર કરતા ૨૧ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઈડીની બનાવટી નોટિસ કૌશિક તૈયાર કરી હતી. આ માટે તેણે ઈડીના બનાવટી સિક્કા પઁણ બનાવી લીધા હતા. ગૌતમ અને મિતેશ બન્ને કૌશિકને દિલ્હી જઈને મળ્યા પણ હતા. કૌશિકે નોટિસ બનાવવા કેટલા પૈસા લીધા હતા અને તેને કોણે-કોણે મદદ કરી હતી. તેની પોલીસ તપાસ ચલાવી રહી છે. દરમિયાન ગૌતમ અને રાજુ પોલીસે નોટિસ આપ્યા બાદ પણ હાજર ન હોવાથી પોલીસે તેમની શોધ ચલાવી રહી છે.