For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સલમાનને 2019માં અલીબાગમાં ઉડાવી દેવાનો પ્લાન પણ ઘડાયો હતો

Updated: Sep 23rd, 2022

Article Content Image

લોરેન્સ બિશ્નોઈના સાગરિતનો ચોંકાવનારો દાવો

જોકે, સલમાને છેલ્લી ઘડીએ ઈવેન્ટ રદ કરતાં પાર ના પડયું

મુંબઇ :  પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ અને પકડાયેલા લોરેન્સબિશ્નોઈના એક સાગરિત એવા આરોપી કપિલ પંડિતે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે  ફેબુ્રઆરી ૨૦૧૯માં જ અલીબાગના એક ઇવન્ટમાં સલમાન ખાનને ઉડાવી નાખવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે છેલ્લી ઘડીએ સલમાને ઇવન્ટ રદ્દ કરી દીધી હતી. આ માટે તેમણે સલમાનના પનવેલના ફાર્મ હાઉસ અને અલીબાગના ઇવન્ટના સ્થળની રેકી પણ કરી હતી. 

ગયા અઠવાડિયે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પંડિતની પૂછપરછ કરી હતી. એવું મનાય છે કે આ પૂછપરછમાં પંડિતે જણાવ્યું હતું કે તેમણે પનવેલમાં જ સલમાનની કારને અધવચ્ચે રોકી હુમલો કરવાનું નક્કી કર્યું હતું. સલમાનને ઠાર મારવા ત્રણ અદ્યતન શસ્ત્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય  સલમાનના ફાર્મહાઉસ પર ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડ સાથે પણ તેમણે ફેન બની અભિનેતાની માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પંડિતે આ બાબતે ચાર જણના નામ પણ પોલીસને આપ્યા હતા. જેમાં પંડિતના અને સંતોષ જાધવના નામનો પણ સમાવેસ થતો હતો. આ લોકોએ કર્જત અને પાલઘરમાં ઘર ભાડે લીધા હતા. આ લોકો પાલઘરમાં બે મહિના અને કર્જતમાં એક મહિનો રોકાયા હતા અને સલમાન કેટલી વાર અહીં આવે-જાય છે તે સહિત બીજી મહત્ત્વની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પંડિત પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. મુંબઈ પોલીસ આ કેસમાં તેની કસ્ટડી માગશે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોનુસાર તે લોકો હવે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર સહિત સંગઠીત ગુનાખોરી માટે મકોકા લાગુ કરવાનું વિચારી રહી છે. થોડા સમય પહેલા સલીમ ખાનને એક ચીઠ્ઠી મળી હતી જેમાં તેમની અને સલમાન ખાનની હાલત મૂસેવાલા જેવી થશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ બાબતની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.


Gujarat