સાંતાક્રુઝમાં દાંડિયા રમવા માટે એક શખ્સે આખો રસ્તો બ્લોક કર્યો

ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ
મિત્રો રસ્તા પર દાંડિયા રમતા હોવાથી સંપૂર્ણ રસ્તો બંધ કરવામાં આવ્યોઃ પોલીસે કાર્યવાહી શરુ કરી
મુંબઈ - સાંતાક્રુઝમાં એક શખ્સે કથિત રીતે તેના મિત્રો દાંડિયા રમતા હોવાથી સંપૂર્ણ રસ્તો બ્લોક કરતા ટ્રાફિકને અવરોધ્યો હતો. જેથી તહેવારોની ઉજવણી દરમિયાન જાહેર રસ્તાઓના દુરુપયોગ પર પ્રશ્ન ઉભા થયા હતા. આ ઘટનનો વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.
આ ઘટના રાજેશ ખન્ના ગાર્ડન પાસે સાંતાક્રુઝ વેસ્ટના ૧૭માં રોડ પર બની હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં એક શખ્સ રસ્તાની વચ્ચે ઉભો રહેલો નજરે ચઢ્યો હતો. જે રસ્તા પર રહેલ વાહનોને આગળ વધતા અટકાવી રહ્યો હતો.
તેના મિત્રો તે સમયે રસ્તા પર દાંડિયા રમી રહ્યા હતા. તેથી આ લેનમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માટે શખ્સે ટ્રાફિકને અટકાવ્યો હતો. દરમિયાન કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો મોબાઈલ ફોનમાં કેદ કરીને સોશિયલ મિડીયા એકાઉન્ટમાં મુંબઈ પોલીસને ટેગ કરીને પોસ્ટ કર્યો હતો.
વધુમાં કેટલાક લોકોએ ટ્રાફિક પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે એક શખ્સે સાંતાક્રુઝ વેસ્ટનો ૧૭મો રોડ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. કારણ કે તેના મિત્રો રસ્તા પર દાંડિયા રમી રહ્યા હતા.
આ ઘટના ધ્યાનમાં આવતા જ સાંતાક્રુઝ પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી હતી અને સંબંધિ મામલે યોગ્ય કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.









