અંધેરીમાં ઇમારત પાસે ભૂસ્ખલન 5 ફલેટમાં માટી ઘૂસી ગઇ
રાતના 2 વાગ્યે રહીશો નિંદ્રાધીન હતા ત્યારે દુર્ઘટના
બિલ્ડિગંમાં બાંધકામ તથા ઘરવખરીને મોટાપાયે નુકસાન : 168 ફલેટ તાબડતોબ ખાલી કરાવાયા
મુંબઇ : અંધેરી (પૂર્વ)માં ઇમારતની પાછળ આવેલી ટેકરી પર ભૂસ્ખલનની ઘટના બની હતી. જેના લીધે પહેલા માળે આવેલા પાંચ ફલેટમાં માટી અને પથ્થર ઘૂસી ગયા હતા. રહેવાસીઓ રાતે સૂતા હતા ત્યારે આ બનાવ બન્યા બાદ તેમને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. ઇમારત ખાલી કરાવીને રહેવાસીઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અંધેરી (પૂર્વ) સ્થિત મહાકાલી રોડ પર ગુરુનાનક સ્કૂલ પાસે રામબાગ સોસાયટી આવેલી છે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની બિલ્ડિંગમાં ૧૬૮ ફલેટ છે.
બિલ્ડિંગની પાછળ જ ટેકરી છે . ગઇકાલે રાતે બે વાગ્યે રહેવાસીઓ સૂતા હતા. તે સમયે ટેકરી પરથી ભૂસ્ખલન થતા ઇમારતને નુકસાન થયું હતું. પહેલા માળે આવેલ પાંચેક ફલેટમાં માટી અને પથ્થર ઘૂસી ગયા હતા પરંતુ સદ્ભાગ્યે કોઇને ઇજા થઇ નહોતી. રાતે ભૂસ્ખલનને લીધે જોરદાર અવાજ આવ્યો હતો. રહેવાસીઓ ગભરાઇ ગયા હતા અને બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. ઇમારતની દીવાલ પણ તૂટી ગઇ હતી.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ, પાલિકા કર્મચારી, પોલીસ મદદ માટે પહોંચી ગઇ હતી તેમણે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરના રાયગઢના ઇર્શાળગઢમાં રાતે ભૂસ્ખલન થતા માટીના ઢગલા નીચે ઘરો દટાઇ ગયા હતા અને અનેક જણે જીવ ગુમાવ્યો હતો.