અમદાવાદ પછી ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવાશે
વાનખેડેની ક્ષમતા ઓછી હોવાથી કેટલાય સમયથી મેગા ફાઈનલ સહિત મહત્વની મેચો મળતી નથી
મુંબઈ - નવી મુંબઈમાં અમદાવાદ પછી ભારતનું સૌથી મોટું બીજું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર, સિડકો તથા મુંબઈ ક્રિકેટ એસોસિએશન વચ્ચે સમજૂતી થઈ છે. આ ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા આશરે એક લાખ પ્રેક્ષકોની હશે તેવો દાવો થઈ રહ્યો છે.
સ્ટેડિયમના ભૂમિપૂજનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં નિર્માણ કાર્ય શરૃ થવાની શક્યતા છે. નવી મુંબઈમાં એરપોર્ટની સુવિધા છે અને ત્યાં જગ્યા પણ વિશાળ પ્રમાણમાં છે. આથી સંપૂર્ણપણે યોજના તૈયાર કરી બાદમાં છ મહિનામાં આ સ્ટેડિયમ માટેનું કામ શરુ કરવામાં આવશે, એવું પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા ૩૩૧૦૦ પ્રેક્ષકોને સમાવવાની છે. જ્યારે નવી મુંબઈનાં ડી વાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા ૪૫ ૩૦૦ પ્રેક્ષકોને સમાવવાની છે. ૫૦ હજારની ક્ષમતા ધરાવતાં બેબ્રોન સ્ટેડિયમનો હવે નહિવત્ત ઉપયોગ થાય છે.
મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા ઓછી હોવાનું કારણ હોવાથી છેલ્લા કેટલાય સમયથી અહીં બહુ મહત્વની મેચો કે મેગા ફાઈનલ યોજાતી નથી. આથી, મુંબઈ ક્રિકેટ એસોસિએશને નવી મુંબઈમાં એક લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે.
અહીં વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને મોટી ટુર્નામેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મેચો યોજાવાની શક્યતા છે.
સત્તાધીશોનું માનવું છે કે, આ પ્રોજેક્ટ માત્ર રમતગમત માટે જ નહીં, પરંતુ આથક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ સ્ટેડિયમ રાજ્યને વૈશ્વિક ક્રિકેટ નકશા પર વધુુ મજબૂત સ્થાન આપશે અને ભવિષ્યમાં ખેલાડીઓ માટે નવી તકો ઊભી કરશે.


