પાર્થ પવારને જમીન વેચનારી શીતલનો વધુ એક કેસ બહાર આવ્યો
પુણેના ટ્રમ્પ ટાવરમાં ભાડાનાં ફલેટ બાબતે રણબીરે કરારનું પાલન ન કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો
મુંબઈ - મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપનીને ૧૮૦૦ કરોડની જમીન ૩૦૦ કરોડ રુપિયામાં વેચવાના ગુનામાં ઝડપાયેલી શીતલ તેજવાનીએ ૨૦૧૮માં પુણેમાં એક ફ્લેટ માટે અભિનેતા રણબીર કપૂર પર રૃા.૫૦.૪૦ લાખનો દાવો કર્યો હતો, એમ એક આરટીઆઈ કાર્યકર્તાએ કહ્યું હતું.
તેજવાની પર કથિતરીતે પાર્થ પવાર અને દિગ્વિજય પાટીલની કંપની અયાડિયા એન્ટરપ્રાઈઝિસ એલએલપીને નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે ૪૦ એકર જમીન વેચવાનો આરોપ છે. તેજવાની પાસે આ જમીનની પાવર ઓફ એટર્ની હતી.
આરટીઆઈ કાર્યકર્તા વિજય કુંભારે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે રણબીર કપૂરને કદાચ ખબર પણ નથી કે શીતલ તેજવાની કેટલા સિવિલ કેસમાં ફસાયેલી છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે તેને જમીન માફિયાઓ અને રાજકારણીઓનું મજબૂત સમર્થન મળે છે.
આરોપી શીતલ તેજવાની એ જ શીતલ એચ. સૂર્યવંશી છે તેણે ૨૦૧૮માં ટ્રમ્પ ટાવર્સના ફ્લેટ માટે રણબીર પર રૃા.૫૦.૪૦ લાખનો દાવો કર્યો હતો. આ કેસ હજુ પણ પુરાવાના તબક્કામાં અટવાયેલો છે. આ મામલાની આગામી સુનાવણી પાંચ જાન્યુઆરી, ૨૦૨૬ના છે, એમ તેણે કહ્યું હતું.
૨૦૧૮માં પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં આવેલી ટ્રમ્પ ટાવર્સમાં પોતાનું આલીશાન એપાર્ટમેન્ટ ભાડે આપનાર રણબીર કપૂર પર તેજવાની દ્વારા ભાડા કરારની શરતોનું પાલન ન કરવા બદલ દાવો કરવામાં આવ્યો હતો.
ફ્લેટ ભાડે લીધા પછી કરારમાં દર્શાવેલ સમયગાળા પહેલા ખાલી કરાવવા બદલ તેણે નુકસાની અને વ્યાજની માંગણી કરી હતી. આ કેસની આવતા વર્ષે જાન્યુઆરીમાં પુણે કોર્ટમાં સુનાવણી થવાની છે.
મુંઢવા જમીન સોદા કેસમાં ગત ત્રીજી ડિસેમ્બરે ધરપકડ કરાયેલી તેજવાનીને પુણેની કોર્ટે ૧૧ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.


