Mumbai

માત્ર ૨૦ કિલો વજન ધરાવતી મહિલાના પેટમાંથી ૧૦.૪ કિલોની ગાંઠ કઢાઈ

By GS TEAM
21 Jun 20252 mins read
માત્ર ૨૦ કિલો વજન ધરાવતી મહિલાના પેટમાંથી ૧૦.૪ કિલોની ગાંઠ કઢાઈ

મુંબઈની સેન્ટ જ્યોર્જ સરકારી હૉસ્પિટલના તબીબોની કમાલ

પેટના દુઃખાવા પર ધ્યાન ન આપ્યું, બાદમાં વજન ઘટી ગયું અને માસિક પણ બંધ થઈ જતાં હૉસ્પિટલનો આશરો લીધા

મુંબઈ -  મુંબઈની સરકાર સંચાલિત સેંટ જ્યોર્જ હૉસ્પિટલના ડૉક્ટરોએ ૪૦ વર્ષીય મહિલાના પેટમાંથી ૧૦.૪ કિલો વજનની અંડાશયની ગાંઠ સફળતાભેર સર્જરી કરી દૂર કરી છે. ક્રાફર્ડ માર્કેટ વિસ્તારનાં રહેવાસી મીના સોલંકી હૉસ્પિટલમાં દાખલ થયાં ત્યારે તેમનો વજન ગાંઠને બાદ કરતાં માત્ર ૨૦ કિલોનો હતો. આથી તેઓ ગંભીર કુપોષિત હોવાનું પણ જણાયું હતું. 

આ દર્દી આકસ્મિકપણે એકવાર પેટના બળે ટેબલ સાથે અથડાયાં હતાં ત્યારપછી દોઢ વર્ષથી તેમને પેટમાં દુઃખાવો રહેતો હતો અને તે જરાય ઓછો થયો નહીં. શરુઆતમાં તેને મીનાએ અવગણ્યો. પરંતુ બાદમાં અચાનક પેટમાં અસામાન્યપણે સોજો વધવા માંડયો અને માત્ર ૩૬ વર્ષની વયે તેનું માસિક ચક્ર બંધ થઈ ગયું અને તેનું વજન ખૂબ જ ઘટી ગયું. તેને એવું લાગતુું હતું કે જાણે તે પેટમાં છ-સાત બાળકોનો ભાર વેંઢારી રહી હોય. પાડોશીઓ તેની સામે જોવાથી પણ ડરતા હતા. 

મે મહિને તેના મોંમાં ચાંદા પડયા અને તેને કારણે તે જમી પણ શકતાં નહોતાં. સતત આઠ દિવસ સુધી ઉલટી થતી રહી. અપરણિત આ મહિલા સ્થાનિક ડૉક્ટરના ઈલાજથી કંટાળી એક સામાજિક કાર્યકરની મદદથી પોતાના ભાઈ સાથે સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલ પહાચ્યાં હતાં. ત્યારે સ્કેનિંગ કરતાં પેટના લગભગ સંપૂર્ણ ભાગમાં ગાંઠ ફેલાયેલી જોવા મળી હતી. અહેવાલ મુજબ, આ ગાંઠ લિવર, બરોળ અને આંતરડા સહિતના મુખ્ય અવયવોમાં ચોંટી ગઈ હતી. જેથી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. મીનાની તબિયત ખૂબ જ નબળી અને વજન ઓછું હોવાથી આ સર્જરી ખૂબ જોખમી હતી. છતાં તબીબોએ ચાર કલાકની સફળ સર્જરી કરી ૧૦.૪ કિલોની ગાંઠ કાળજીપૂર્વક તેના પેટમાંથી કોઈ જ જટિલતાઓ વિના દૂર કરી હતી. અત્યારે તેને ઉચ્ચ પ્રોટીન પર રાખવામાં આવ્યાં છે અને તે હલનચલનની ક્ષમતા પાછી મેળવી રહ્યાં છે.