Mumbai

958 લીટર દૂધ હસ્તગતઃ મિલાવટખોર ગેન્ગના સાત જણ ઝડપાયા

By GS TEAM
3 Jan 20261 min read
958 લીટર દૂધ હસ્તગતઃ મિલાવટખોર ગેન્ગના સાત જણ ઝડપાયા

વર્સોવામાં દૂધમાં મોટાપાયે ભેળસેળનું રેકેટ પકડાયું

મુંબઈ -  વર્સોવા વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના દૂધમાં ભેળસેળ કરી વેંચવાના મોટા કૌભાંડનો એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન) પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મિલાવટી દૂધનું આ રેકેટ ચલાવવાના આરોપસર સાત આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.

વર્સોવા  પોલીસે જણાવ્યું હતું કે આ મિલાવટખોર ગેન્ગ જાણીતી ડેરીઓના દૂધની કોથળીઓમાંથી દૂધ કાઢી લેતી હતી અને તેની જગ્યાએ બિનઆરોગ્યપ્રદ પાણી ભેળવીને અને કોથળીને સીલ કરીને વેંચી નાખતી હતી. આમ ગેન્ગ દ્વારા મિલાવટી અને આરોગ્ય માટે હાનિકારક દૂધ ગ્રાહકોને પીવડાવવામાં આવતું હતું.

વર્સોવામાં  એક જગ્યાએ દૂધમાં મોટાપાયે ભેળસેળ ચાલી રહી છે, એવી એફડીએને બાતમી મળી હતી. આ બાતમીની પૂરતી ખરાઈ કર્યા બાદ રેડ પાડવામાં આવી હતી. આ વખતે દૂધમાં ભેળસેળ કરતા સાત આરોપીઓ રંગેહાથ પકડાયા હતા. આ જગ્યાએથી લગભગ ૯૫૮ લીટર દૂધનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને સેમ્પલ લેવામાં આવ્યા બાદ દૂધ નષ્ટ કરવામાં આવ્યું હતું. સાત આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.