9 વર્ષની બહેને ચોધાર આંસુ સાથે 3 વર્ષના મૃત ભાઈના કાંડે રાખડી બાંધી

અંતિમયાત્રા પહેલાં ભાઈને રાખડી બાંધી આખું ગામ રડી પડયું
નાસિક પાસે હૈયું હચમચાવનારી ઘટનાઃ બહેનને રક્ષાબંધનની ભારે હોંશ હતી પણ આગલા જ દિવસે દીપડાના હુમલામાં નાના ભાઈનું મોત
વડનેર દુમલા ગામે શુક્રવારે રાતે ભગત કુટુંબનો ત્રણ વર્ષનો આયુષ ઘરના આંગણામાં રમતો હતો એ વખતે ઝાડીમાંથી દીપડો ત્રાટક્યો હતો અને વીજળીવેગે બાળકને ગળાથી પકડીને જંગલમાં ઘસડી ગયો હતો. આયુષ અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા. આડોશીપાડોશી સાથે મળીને જંગલમાં શોધવા નીકળ્યા ત્યારે માસુમનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ભગત પરિવારને માથે આભ તૂટી પડયું હતું. મૃતદેહને મોડી રાત્રે ઘરે લાવવામાં આવ્યો હતો.
બીજી તરફ આયુષની મોટી બહેને રક્ષાબંધન મનાવવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી હતી. તેને નાના ભાઈને હાથે રાખડી બાંધવાની ભારે હોંશ હતી. આ દિવસે પોતે કેવાં વસ્ત્રોમાં સજ્જ થશે, ભાઈ માટે કેવી થાળી સજાવશે તેના તેણે કંઈક હરખ મનમાં સજાવી રાખ્યા હતા.
જોકે, રક્ષાબંધનની આગલી રાતે જ નાના ભાઈનું દીપડાના હુમલામાં મોત થયાં મોટી બહેન સહિત સમગ્ર પરિવારના હૈયા પર વીજળી પડી હતી. બીજા દિવસે સવારે રક્ષાબંધનની સવાર પડી ત્યારે પોતે હવે ભાઈને ક્યારેય રાખડી નહિ બાંધી શકે તે વાતનો અહેસાસ થતાં જ બહેને ભારે કરુણ આક્રંદ મચાવ્યું હતું.
રક્ષાબંધનને દિવસે શનિવારે સવારે મૃતકને સ્મશાન લઈ જવાની તૈયારી થતી હતી એ જ વખતે પરિવારજનોએ ભારે હૈયે બહેનને મૃતક ભાઈના કાંડા પર રાખડી બાંધી તેને અંતિમ વ્હાલસોયી વિદાય આપવા જણાવ્યુું હતું. ૯ વર્ષની મોટી બહેને ધુ્રસકે ધુ્રસકે રડતા રડતા નિશ્ચેતન સ્થિતિમા પડેલા ભાઈના હાથે જ્યારે રાખડીબાંધી ત્યારે આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને સમગ્ર ગામવાળા હિબકે ચડયા હતા. આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોક અને કરુણાની લાગણી જન્માવી છે.









