Get The App

ગ્રાન્ટ માટે ગેરલાયક ઠરેલી 829 શાળાઓ કાયમી ધોરણે બંધ થશે

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રાન્ટ માટે ગેરલાયક ઠરેલી 829 શાળાઓ કાયમી ધોરણે બંધ થશે 1 - image

મુંબઈની ૫૪, થાણેની ૬૮ શાળાઓનો સમાવશ

વારંવાર નોટિસો અપાઈ છતાં સુધારા નહિ, સ્વનિર્ભર બનવાની ઓફર પણ ન સ્વીકારીઃ શિક્ષકો-કર્મચારીઓના પગાર બંધ થશે

મુંબઈ  -  મહારાષ્ટ્રમાં ગ્રાન્ટ માટે કાયમી ધોરણે અપાત્ર ઠરેલી ૮૨૯  શાળા કાયમી ધોરણે બંધ કરાશે. તેમાં ૩૨૪ માધ્યમિક શાળા, ૫૦૫  ઉચ્ચ માધ્યમિક શાળા તથા જુનિયર કોલેજોનો સમાવેશ થાય છે. 

 નિયમો અનુસાર, જો કોઈ શાળા સતત ત્રણ વર્ષ સુધી અયોગ્ય રહે તો તેની માન્યતા રદ્દ કરવાની જોગવાઈઓ છે.  આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ૯ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ૧૫ નવેમ્બર, ૨૦૧૧ના સરકારી નિર્ણયને માન્ય રાખીને પાત્રતા માપદંડો સ્પષ્ટ કર્યા હતા. તે મુજબ, ફક્ત માપદંડો પૂર્ણ કરતી શાળાઓને જ સબસિડી મળશે. આ માપદંડો અનુસાર લાયક શાળાઓને તબક્કાવાર પગાર સબસિડી આપવામાં આવી હતી. 

જો કે, સરકારે આ શાળાઓને અનેક વખત સુધારા માટે તક આપી હતી. છતાં તેઓ જરૃરી ખામીઓ દૂર કરી શક્યા નહોતા. મૂલ્યાંકન પ્રક્રિયામાં સતત અયોગ્ય ઠરતા હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ સુધારા માટે સમયમર્યાદા વધારવામાં આવી હતી તેમજ સ્વનિર્ભર (સેલ્ફ-ફાઇનાન્સ) વિભાગોમાં પરિવર્તન કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ મોટાભાગની શાળાઓએ તેનો લાભ લીધો નહોતો.

 થાણેમાં સૌથી વધુ ૬૮ સંસ્થાઓ અયોગ્ય જણાઈ છે. ત્યારબાદ મુંબઈમાં ૫૪ અને પાલઘરમાં ૪૬ સંસ્થાઓ છે.  આનો અર્થ એ થયો કે આ ત્રણ જિલ્લાઓમાં ૧૬૮ સંસ્થાઓની સરકારી સબસિડી બંધ કરવામાં આવશે. પુણે, રાયગઢ અને નાસિકની પણ કેટલીય શાળાઓ બંધ થવાની છે. 

આ નિર્ણયને પગલે શાળાને ગ્રાન્ટ મળતી બંધ થતાં શિક્ષકો તથા કર્મચારીઓના પગાર અટકશે. તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને પણ માઠી અસર થશે. આ વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તેની રાહ જોવાય છે.