ભાષાંતર તથા ગણિતના પ્રશ્નો પણ એઆઈથી જ ઉકેલે છે
જોકે, એઆઈ પર નિર્ભરતા વધતાં વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારશક્તિ ઘટીઃ અભ્યાસને બદલે સર્ચ કરી લેવાનું વધતું વલણ
મુંબઈ - મુંબઈની મહાનગરપાલિકા શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અંગે જાગૃતિ ઝડપથી વધી રહી છે. તાજેતરના એક અભ્યાસ મુજબ, લગભગ ૧૦માંથી ૮ વિદ્યાર્થીઓ એઆઈ ટૂલ્સ વિશે જાણે છે.
તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં મુંબઈની ૨૦ સરકારી શાળાઓના ધોરણ ૯ના ૧,૦૫૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ૧૨ શિક્ષકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ મુખ્યત્વે એઆઈનો ઉપયોગ હોમવર્ક કરવા, ભાષાંતર કરવા અને ગણિતના પ્રશ્નો ઉકેલવા માટે કરે છે. પરંતુ સંવાદાત્મક અને ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે તેનો ઉપયોગ ઓછો થાય છે.
અહેવાલમાં ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓમાં એઆઈ પર વધુ નિર્ભરતા વધી રહી છે. 'કૉગ્નિટિવ ઓફલોડિંગ' જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની વિચારપ્રક્રિયાનો ઓછો ઉપયોગ કરે છે અને સીધા એઆઈ પર આધાર રાખે છે. પરિણામે, 'અભ્યાસ'કરતાં 'સર્ચ ' કરવાની વૃત્તિ વધી રહી છે, જે તેમની સ્વતંત્ર વિચારશક્તિ અને ધીરજને અસર કરે છે.
અભ્યાસમાં ડિજિટલ ડિવાઇડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે એઆઈ ટૂલ્સની સારી પહોંચ છે, જ્યારે કેટલાક હજુ પણ તેનાથી વંચિત છે. આ અસમાનતા ભવિષ્યમાં શૈક્ષણિક અંતરને વધુ વધારી શકે છે. સાથે જ, એઆઈનો ઉપયોગ મુખ્યત્વે એક્સપોઝર આધારિત અને અનૌપચારિક હોવાનું પણ જણાયું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ પરીક્ષા પદ્ધતિમાં સુધારા કરવાની જરૃરિયાત દર્શાવી છે. રટણ આધારિત અને અનુમાનિત પ્રશ્નોને બદલે વિચારશક્તિ, સમજણ અને સર્જનાત્મકતા પર આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે.


