તુલજા ભવાની પરિસરમાં થૂંકવા બદલ 8 પુજારીને પ્રવેશબંધી

પાન તમાકુુ ખાઈને આડેધડ થૂંકતા હતા
સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા પૂજારીઓ સંતોષકારક ખુલાસો કરી ન શકતાં પગલું
મુંબઇ, - ધારાશિવ (ઉસ્માનાબાદ) જિલ્લામાં તુલઝાપુરમાં આવેલા વિખ્યાત તુળજાભવાની મંદિર પરિસરમાં પાન- તમાકુ ખાઇને થૂંકવા બદલ આઠ પૂજારીઓને મંદિરમાં પ્રવેશબંધી કરવામાં આવી છે.
મંદિર પરિસરમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ આઠ પૂજારીઓ થૂંકતા ઝડપાયા હતા. આથી મંદિર પ્રશાસને આઠેયને કારણદર્શક નોટિસ આપી હતી, અને ખુલાસો માગ્યો હતો. પરંતુ પૂજારીઓએ કરેલા ખુલાસા સંતોષકારક ન લાગતા મંદિર પ્રશાસને તેમને મંદિર ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
તુળજાભવાની મંદિરનો દેશની ૫૧ શક્તિપીઠમાં સમાવેશ થાય છે. હિન્દવી સ્વરાજના જનક છત્રપતિ શિવાજી મહારાજને તુળજાભવાની માતાએ તલવાર ભેટ આપી હતી અને એ તલવારથી શિવાજી મહારાજે અનેક યુદ્ધોમાં ફતેહ હાંસલ કરી હતી એવું મનાય છે. દરરોજ હજારો ભક્તોની અવરજવરથી ધમધમતા તુળજા ભવાની માતાના મંદિરની આસપાસ પૂજારીઓ તરફથી જ થૂકવાની અને ગંદકી કરવાની હરકત ચલાવી ન લેવાય, એટલે મંદિર પ્રશાસને પૂજારીઓની ઉપર પ્રવેશબંધી લાગુ કરી હતી.








