5600 કરોડના એનએસઈએલ કૌભાંડમાં રોકાણકારોને હજુ સુધી ૭૯૨ કરોડ પરત

10 લાખથી ઓછી થાપણ ધરાવનારાને ૧૦૦ ટકા રકમ મળી
વધુ મિલ્કતોની હરાજી થાય તો ૬૦૦૦ રોકાણકારોને ૪૫ ટકા જેટલી રકમ પરત મળી શકે છેઃ જોકે ઈડીનો વિરોધ
મુંબઈ - 5600 કરોડ રૃપિયાના નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ) કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની આથક ગુના શાખાએ અત્યાર સુધીમાં ૭,૦૫૩ રોકાણકારોને ૭૯૨ કરોડ રૃપિયા પાછા અપાવ્યા છે. ૧૦ લાખ રૃપિયા કે તેથી ઓછી થાપણો ધરાવતા રોકાણકારોને ૧૦૦ ટકા રકમ મળી છે, જ્યારે ૧૦ લાખ રૃપિયા કરતા વધુ થાપણો ધરાવતા ૧,૫૦૦ રોકાણકારોને ૩૦ ટકા રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
તપાસમાં સામેલ એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે, એનએસઈએલ સંબંધિત વધુ રૃ.૨,૫૦૦ કરોડની સંપત્તિની હરાજી થવાની ધારણા છે, તેની કુલ રકમનો ૬૦૦૦થી વધુ મોટા રોકાણકારો ને તેમના રોકાણનો ૪૫ ટકા હિસ્સો મળી શકે છે. ૨૦૧૩માં પ્રકાશમાં આવેલા આ કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આથક ગુના શાખા સાથે મળીને કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ ૧૨ વર્ષથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ૮,૦૦૦ થી ૯,૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આમાંથી કેટલીક સંપત્તિઓની હરાજી કરવામાં આવી છે અને તેમાંથી ૭૯૨ કરોડ રૃપિયા મુંબઈ પોલીસ દ્વારા નાના રોકાણકારોને વહેંચવામાં આવ્યા છે.
આથક ગુના વિભાગ પાસે નાણાકીય છેતરપિંડીના સેંકડો કેસ છે અને આ પહેલો કેસ છે જેમાં રોકાણકારોને આટલી મોટી રકમ પરત મળી છે, એમ તપાસમાં સામેલ અધિકારીએ જણાવ્યું હતું.આ કેસમાં એક વિશેષ તપાસ ટીમની પણ રચના કરવામાં આવી છે. એનએસઈએલ સાથે સંબંધિત એક કંપનીએ એકસાથે સમાધાન તરીકે ૧૮૫૦ કરોડ રૃપિયા ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. આ પ્રસ્તાવને ૯૦ ટકાથી વધુ રોકાણકારોએ મંજૂરી આપી છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો ૧૦ લાખ રૃપિયા કે તેથી વધુ રકમ ધરાવતા રોકાણકારોને રકમનો ૪૫ ટકા હિસ્સો મળવાની શક્યતા છે. જોકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.આ ઉપરાંત, કેટલાક રોકાણકારો પણ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.રોકાણકારો પૂછી રહ્યા છે કે જ્યારે એનએસઈએલની જપ્ત કરાયેલી સંપત્તિઓની હરાજીની અત્યાર સુધીની રકમમાંથી બધી ડૂબી ગયેલી રકમ વસૂલ કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રસ્તાવ કેમ સ્વીકારવો જોઈએ. કોઈ મિલકત ન હોવા છતાં એનએસઈએલ કંપનીએ રોકાણકારોની જાણ બહાર વ્યવહારો કર્યા હતા. આ દ્વારા મળેલા પૈસા પ્લોટની ખરીદીમાં રોકવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીમાં આ માહિતી બહાર આવી છે. આમાંની મોટાભાગની મિલકતો જપ્ત કરવામાં આવી છે.









