2025 ના પ્રથમ 6 માસમાં મુંબઈમાં 75672 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન
મુંબઈના રિયલ એસ્ટેટ બજારમાં નવા રેકોર્ડસ નોંધાયા
પ્રોપર્ટીની સંખ્યામાં ચાર ટકા પરંતુ સરકારની રજિસ્ટ્રેશનની આવકમાં ૧૪ ટકાનો વધારો
મુંબઈ - વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં મુંબઈના પ્રોપર્ટી વેચાણમાં નવા રેકોર્ડસ સ્થપાયા છે ૩૦મી જૂનની બપોર સુધી ૭૫,૬૭૨ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન નોંધાયું હતું.
જે ૨૦૨૪ના સમાન સમયગાળાની સરખામણીમાં ચાર ટકા (૭૨,૪૯૧) વધ્યું હતું. સરકારી તિજોરીને મળેલી આવક ગત વર્ષની સરખામણીમાં ૧૪ ટકા વધી હતી. વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનથી સરકારને ૫૮૭૪ કરોડ આવક થઈ હતી જે આ વર્ષે જૂન સુધી વધીને રૃ.૬૬૯૯ કરોડ થઈ હતી.
રિયલ એસ્ટેટના એક નિષ્ણાંતે કહ્યું કે જૂનમાં ૧૧,૨૧૧ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું અને આવક રૃ.૧૦૦૪ કરોડ થઈ હતી. જૂન ૨૦૨૪માં ૧૧,૬૭૩ સોદા થયા હતા અને આ વર્ષના જૂનમાં ૪ ટકા ઓછા સોદા નોંધાયા હતા જ્યારે આવક આવક ટકા ઓછી થઈ હતી.
જાન્યુઆરીથી જૂન ૨૦૨૫ દરમ્યાન સરેરાશ ફલેટની કિંમત રૃ.૧.૬૦ કરોડ હતી જે ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં રૃ.૧.૫૭ કરોેડ હતી.
દરમ્યાન નેશનલ હાઉસિંગ બેન્કનો એક રિપોર્ટ જણાાવે છે કે હોમ લોન પેમેન્ટમાં મુંબઈનો સરેરાશ ઘર ખરીદનાર માસિક આવકના ૪૮ ટકા ખર્ચ કરે છે. ગયા વર્ષે આ આંકડો ૫૦ ટકા હતો. મુંબઈમાં દર વર્ષે વેચાતા ઘરોમાંથી લગભગ ૮૦ ટકા ઘરની કિંમત બે કરોડ રૃપિયાથી ઓછી છે.