Get The App

મુંબઈમાં 75 વર્ષના વૃધ્ધે શેર ટ્રેડિંગમાં 6 કરોડ રૃપિયા ગુમાવ્યા

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં 75 વર્ષના વૃધ્ધે શેર ટ્રેડિંગમાં 6 કરોડ રૃપિયા ગુમાવ્યા 1 - image

કોમન મોડ્સ ઓપરેન્ડીનો વધુ એક વૃધ્ધ ભોગ બન્યા

વ્હોટસ એપ ગૂ્રપ દ્વારા ફસાવાયાઃ છ કરોડના  રોકાણ સામે ૨૮ કરોડનો નફો દર્શાવાયો પરંતુ આ રકમ ક્યારેય મળી જ નહિ

મુંબઈ -  મુંબઈના  એક પશ્ચિમ ઉપનગરમાં રહેતા એક ૭૫ વર્ષના એક વૃધ્ધે શેર ટ્રેડીંગ ફ્રોડમાં ૬ કરોડ રૃપિયાની રકમ ગુમાવી હતી. છેતરપિંડી આચરનાર ફ્રોડસ્ટરોએ વૃધ્ધને શેર ટ્રેડીંગમાં ઊંચા વળતરની ખાતરી આપી હતી જેમાં વૃધ્ધ ફસાઈ ગયા હતા અને મોટી રકમ ગુમાવી હતી. આ રીતે ફ્રોડસ્ટરો દ્વારા સતત આચરવામાં આવતી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ભોગ વધુ એક વૃધ્ધ બન્યા હતા.

આ મામલે વૃધ્ધની ફરિયાદ બાદ બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો અજાણ્યા ફ્રોડસ્ટરો સામે નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે વૃધ્ધે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો મોબાઈલ નંબર વેલ્થ ક્રિએટર ૬૩૩ નામનાવોટ્સએપ ગુ્રપમાં ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુ્રપમાં એવો મેસેજ આવ્યો હતો કે શેરબજારમાં રોકાણ કરી સારો નફો કરાઈ શકાય છે. ગુ્રપ એડમિન આરોહી નંબુદરીએ વૃધ્ધ સાથે તેની કંપનીની એક લિંક શેર કરી તેને ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. પીડિતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી એપનું એક્સેસ મેળવ્યું હતું.

દરમિયાન આ ઘટના બાદ એડમિન આરોહીએ તેમને 'વીઆઈપી વોટ્સએપ ગુ્રપ'માં ઉમેર્યા હતા. નવા ગુ્રપમાં જોડાયા પછી પીડિતે જોયું હતું કે ગુ્રપમાં ૬૦ લોકો હતા અને તેઓ રોકાણ અને શેર ટ્રેડીંગ વિશે ચર્ચા કરતા હતા. આરોહીએ પીડિતને શેર ટ્રેડીંગ માટેની ટીપ્સ પણ શેર કરી હતી અને એપમાં દેખાતા શેર ખરીદવાનું પણ કહ્યું હતું. આરોહીએ અલગ- અલગ બેંક ખાતા આપ્યા હતા અને તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. ૭૫ વર્ષીય ફરિયાદીએ ૨૮ વિવિધ વ્યવહારોમાં કુલ ૬ કરોડ રૃપિયા ફ્રોડસ્ટરોને મોકલી આપ્યા હતા. 

સાતમી નવેમ્બરના રોજ તો તેમણે એક જ દિવસમાં બે અલગ- અલગ બેંક ખાતાઓમાં બે કરોડ રૃપિયા મોકલાવ્યા હતા. આ રીતે તેમણે એક જ દિવસમાં સૌથી મોટી રકમ મોકલી આપી હતી. ચોથી નવેબરના રોજ તેમણે બીજી મોટી રકમ મોકલાવી હતી જેમાં તેમણે એક જ બેંક ખાતામાં ત્રણ અલગ- અલગ વ્યવહારોમાં ૧.૫ કરોડ રૃપિયા મોકલ્યા હતા. આ સમગ્ર વ્યવહાર  પહેલી  ઓગસ્ટથી ૧૨ નવેમ્બર દરમિયાન થયો હતો.

ફરિયાદીએ જોયું  કે છ કરોડના રોકાણ બાદ તેમનો નફો અને મૂળ રોકાણ મળી આ આંકડો ૨૮ કરોડ રૃપિયા પર પહોંચી ગયો હોવાનું એપમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. ફરિયાદીએ ત્યારબાદ ડિજિટલ વોલેટમાંથી આ રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા હતા. અંતે તેમને રોકાણ બાબતે અને તે ટ્રાન્સફર કરવા બાબતે કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા અંતે તેમણે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.