ઠગોએ ડોક્ટરને કહ્યું, તમારી વય જોતાં તમને ફિઝિકલ એરેસ્ટ નથી કરતા
અહલ્યાનગરના ડોક્ટર પર મની લોન્ડરિંગનું આળઃ વર્ચ્યુઅલ કોર્ટ રુમ દર્શાવી રીતસરનો ખટલો ચલાવી ધમકાવ્યા
મુંબઇ - ડિજિટલ એરેસ્ટ ફ્રોડથી બચવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહિત એજન્સીઓ સતત જાગરૃકતા લાવવાનો પ્રયાસ કરી રહી છે તેમ છતાં સામાન્ય માણસથી માંડી ઉચ્ચશિક્ષિત વર્ગ સતત ઓનલાઇન અને ડિજિટલ એરેસ્ટ ફ્રોડ નો ભોગ બની રહ્યા છે. મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં બનેલી 'ડિજિટલ એરેસ્ટ ફ્રોડ'ની એક ચોકાવનારી ઘટનામાં ૭૪ વર્ષના એક વૃદ્ધ ડોકટરે અધધધ ૭.૧૭ કરોડ રૃપિયા ગુમાવ્યા હતા. અહિલ્યાનગર જેવા જિલ્લામાં એક વૃદ્ધ ડોકટરે ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં આટલી મોટી રકમ ગુમાવતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઇ છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે ડૉકટરને છેતરપિંડીનો ભોગ બનાવવા ફ્રોડસ્ટરોએ ટ્રાઇના અધિકારી અને પોલીસ તરીકેની ઓળખ આપવાની સાથે જ કલાકારોને ન્યાયધીશ અને વકીલ બનાવી નકલી ઓનલાઇન કોર્ટરૃમ પણ બનાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આ છેતરપિંડીની શરૃઆત ગત સાતમી સપ્ટેમ્બરના રોજ શરૃ થઇ હતી. વૃદ્ધ ડૉકટરને ફ્રોડસ્ટરોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધિકારી હોવાનો દાવો કરી કોલ કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ડોકટરને તેમનો મોબાઇલ નંબર મુંબઇમાં નોંધાયેલા મની-લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો હોવાનું જણાવી અમૂક વિગતો મેળવી હતી. ત્યારબાદ થોડીવારમાં પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ કોલ કરી પીડિત વૃદ્ધને વાતોમાં ભરમાવી ધરપકડ વોરંટ મોકલ્યું હતું.
ફ્રોડસ્ટરોએ તેમને જણાવ્યું હતું કે તેમની ઉમરને ધ્યાનમાં રાખીને તેમની શારીરિક કસ્ટડી મેળવવાની જગ્યાએ તેમને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખવામાં આવે છે. આ ઉપરાંત તેમના કેસની સુનાવણી પણ ઓનલાઇન કોર્ટમાં કરવામાં આવશે. ફ્રોડસ્ટરોએ વૃદ્ધનો વિશ્વાસ બેસે તે આશયથી વર્ચ્યુઅલ કોર્ટરૃમ બનાવ્યો હતો. આ ઉપરાંત આ કોર્ટરૃમમાં ન્યાયધીશ, વકીલ, કોર્ટ કલાર્ક અને પોલીસ અધિકારીઓના પોશાકમાં લોકો બેકગ્રાઉન્ડમાં ફરતા સ્ક્રીન પર નજરે પડતા હતા. આ સેટઅપ જોઇ ડોકટર ગભરાઇ ગયા હતા. ત્યાર બાદ ડોકટરને ચકાસણી માટે તેમના રોકાણ અને મિલકતની વિગતો જાહેર કરવાની ફરજ પાડવામાં આવી હતી.
આગામી થોડા અઠવાડિયામાં ફ્રોડસ્ટરોએ ડોકટરને ડરાવી-ધમકાવી તેમના વિવિધ બેંક ખાતાઓમાંથી ૭.૧૭ કરોડ રૃપિયાની રકમ ટ્રાન્સ્ફર કરવા દબાણ કર્યું હતું. સતત વધુને વધુ પૈસાની માગણી ફ્રોડસ્ટરોએ કરવા લાગતા પીડીતને એવું લાગ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી થઇ રહી છે.
પીડિત વૃદ્ધે ત્યારબાદ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયા નોંધાવી હતી. જેમાં કોલ રેકોર્ડ, છેતરપિંડી કરનારાઓના મોબાઇલ નંબર અને લાભાર્થીઓની વિગત પૂરી પાડી ફરિયાદ કરી હતી. અહિલ્યાનગર પોલીસે સંબંધિત કલમો હેઠળ અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


