Get The App

છેલ્લાં 22 વર્ષમાં ટ્રેન અકસ્માતમાં 72000 લોકોએ જીવ ગુમાવ્યો

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
છેલ્લાં 22 વર્ષમાં ટ્રેન અકસ્માતમાં 72000 લોકોએ જીવ ગુમાવ્યો 1 - image


રેલ અકસ્માતના દર ત્રણમાંથી એક મૃતદેહની ઓળખ થઈ શકતી નથી

શહેરની ત્રણેય રેલવે લાઈન પર પાટા ઓળંગતી વખતે અથવા ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત થયાની સૌથી વધુ ઘટનાઓ 

મુંબઈ -  મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલને લઈ ભયાવહ આંકડા સામે આવ્યા છે. દર વર્ષે હજારો લોકો ટ્રેનમાં કપાઈને જીવ ગુમાવે છે. હાલમાં થયેલી એક આરટીઆઈમાં જાણવા મળ્યું હતું કે, ગત ૧૫ વર્ષમાં અર્થાત્ ૨૦૦૯ થી ૨૦૨૪ની વચ્ચે ૪૬,૯૭૯ લોકોએ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. જેમાંના ૧૪,૫૧૩ મૃતદેહ એવા છે, જેની ઓળખ થઈ શકી નથી. એનો એવો અર્થ મળે છે કે દર ત્રણમાંથી એક મૃતદેહની ઓળખ થઈ શકી નથી. 

એક અહેવાલાનુસાર, એક ડૉક્ટરે કરેલી આરટીઆઈમાં ગત ૨૨ વર્ષોમાં લોકલ ટ્રેનમાં કેટલા લોકોના મોત થયાં તેની માહિતી સામે આવી છે. તે મુજબ, વર્ષ ૨૦૦૨ થી ૨૦૨૪ દરમ્યાન ૭૨ હજાર લોકોએ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ ઘટનાઓ મુંબઈની ત્રણેય લાઈનના પાટા પર બની હતી. જેમાં સૌથી વધુ મૃત્યુ પાટા ઓળંગતી વખતે અથવા ટ્રેનમાંથી પડી જતાં થયાનું સામે આવ્યું છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘણીવાર મૃતદેહની અવસ્થા એવી હોય કે તેની કોઈ ઓળખ થઈ શકે નહીં. તેવે સમયે મોબાઈલ ફોન, આઈડી કાર્ડ જેવા કોઈ દસ્તાવેજ પણ જો ન મળે તો આ મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. છતાં કોઈ જો મૃતદેહની ઓળખ માટે ન આવે અને જો ધર્મની ઓળખ થાય તો જીઆરપી તે મૃતદેહને અગ્નિસંસ્કાર અથવ દફન કરે છે અને તેના કપડાં કે દાગિના સાચવી રાખે છે. જેથી બાદમાં કોઈ પરિવારજન આવે તો તેને સોંપી શકાય.

૨૦૧૨ પછી ટ્રેક અકસ્માતના મોતમાં ઘટાડો થયો છે. પરંતુ અપવાદાત્મક સ્થિતિમાં કોરોના દરમ્યાન ઘણો ઘટાડો થયો હતો. જોકે કોરોના બાદ લોકો કામે જવા લાગતાં ફરી ટ્રેન અકસ્માતો શરુ થયા છે. આ સ્થિતિ દર્શાવે છે કે રેલવેના ઝીરો ડેથ મિશન સુધી પહોંચવું હજી ઘણું દૂર છે.


Tags :