Get The App

મુંબઈનાં 70 ટકા રેસ્ટોરાંના શટર ડાઉન, કેટરિંગ બિઝનેસ, કેન્ટિનો પણ ઠપ

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈનાં 70 ટકા  રેસ્ટોરાંના શટર ડાઉન, કેટરિંગ બિઝનેસ, કેન્ટિનો પણ ઠપ 1 - image

અનેક મંદિરોમાં સદાવ્રતી ભોજન, પ્રસાદ પણ બંધ કરવા  પડયાં    

હોટલ કર્મચારીઓ,  ગિગ વર્કર્સ બેકારઃ  માટુંગા સહિતના વિસ્તારોની ખાઉ ગલીઓમાં  સૂનકારઃ  કેટરર્સનાં  બૂકિંગ રદઃ ફરસાણ-મીઠાઈની  દુકાનોમાં સપ્લાય અટક્યો   

મુંબઈ - કમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ બંધ કરાતાં મુંબઈમાં ફૂડ ક્રાઇસિસ વધારે ઘેરી બની છે. આજે મુંબઈનાં ૭૦ ટકા જેટલાં નાના-મોટાં રેસ્ટોરાં બંધ પડી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. થોડાંઘણાં  રેસ્ટોરાં પણ પોતાની પાસે સ્ટોકના સિલિન્ડર્સના આધારે બહુ જૂજ નાસ્તાની આઈટમો આપી રહ્યાં છે પરંતુ તેમને પણ પોતે ક્યાં સુધી ટકી શકશે  તેની જાણ નથી. હોટલો ઉપરાંત કેટરિંગ બિઝનેસ ઠપ થઈ ગયો છે. અનેક સરકારી તથા ખાનગી ઓફિસો, ફેક્ટરીઓ, વિશાળ બિઝનેસ સંકુલોની કેન્ટિનો પણ બંધ  થઈ ગઈ છે. મંદિરોમાં  બનતા પ્રસાદ તથા સદાવ્રતના ધોરણે અપાતાં ભોજનની પ્રવૃત્તિ પણ બંધ પડી ગઈ છે. 

મુંબઈનાં બાંદ્રા વિસ્તારની અનેક જાણીતી રેસ્ટોરાંએ શટર ડાઉન કરી દીધાં છે. શહેરના માટુંગા  વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ આઈકોનિક સાઉથ ઈન્ડિયન ઈટરીઝ બંધ થઈ ચૂકી છે. અહીં ફક્ત મુંબઈ જ નહિ પરંતુ બહારગામથી આવતા  પર્યટકો પણ જૂની ઢબની ઉડુપી સ્ટાઈલ રેસ્ટોરાંમાં સાઉથ ઈન્ડિયન વાનગીઓ માણવા આવતા હતા પરંતુ હવે તેમની ચહલપહલ બંધ થઈ ચૂકી છે ઢોસા તથા ઉત્તમપ જેવી  આઈટમમાં તવો સતત ચોક્કસ તાપમાને ગરમ રાખવો  પડે તેમ હોવાથી તે ચીજો  પીરસવાની બંધ કરી દેવામાં આવી હતી. જોકે, તે પછી  તો ઈડલી સહિતની બાકીની ચીજો માટે પણ ગેસ બચ્યો નથી.

 કેટલીક રેસ્ટોરાં ચેઈન દ્વારા તેમનું મેનુ બેહદ મર્યાદિત કરી દેવામાં આવ્યું છે.  જોકે, આ ચેઈન્સના સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે તેઓ આ મર્યાદિત મેનુના આધારે પણ વધારેમાં વધારે એક કે  બે દિવસ જ ખેંચી શકે તેમ છે. મુંબઈનાં  ઘાટકોપર, કાંદિવલી, મુલુંડ, અંધેરી, સાકીનાકા સહિતના અનેક વિસ્તારોમાં ખાઉ ગલીઓ આવેલી છે જ્યાં રોડ સાઈડ ફૂડ સ્ટોલ્સ ચલાવનારા મહદઅંશે  કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર જ આધાર રાખતા હતા. તેમણે નાછૂટકે પોતાના સ્ટોલ બંધ કરી દેવા પડયા છે. 

સંખ્યાબંધ વિસ્તારોમાં આ ખાઉ ગલીઓ રાતભર ધમધમતી  હતી અને મોડી રાત સુધી ઓફિસોમાં કામ કરનારા લોકો,  કેબ ડ્રાઈવર્સ તથા અન્ય શોખીનો ત્યાં ભીડ જમાવતા હતા. પરંતુ, હવે  ત્યાં સૂનકાર વ્યાપી ગયો છે.

ફોર્ટ, અંધેરી, પરેલ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં આવેલી ઓફિસોમાં અને મોટાં કમર્શિયલ  બિલ્ડિંગોમાં ચાલતી કેન્ટિનો પણ ટપોટપ બંધ થઈ રહી છે. તેના કારણે આ કેન્ટિનના ફૂડ પર નભતા કર્મચારીઓની હાલત  કફોડી બની ગઈ છે. આસપાસની ઈટરીઝ પણ બંધ હોવાથી  તેઓ બહારથી  પણ ફૂડ મગાવી  શકે તેમ નથી. કેટલાક કર્મચારીઓ હવે  ઘરઘરાઉ ક્લાઉડ કિચન  ચલાવતા સંચાલકો શોધી રહ્યા છે. અનેક સ્થળે  પાઈપલાઈન ગેસનું કનેક્શન મેળવી આવાં ઘરઘરાઉ ક્લાઉડ કિચન  ચાલે  છે. તેમને હજુ  સુધી ગેસની તકલીફ પડી નથી. 

મુંબઈનાં કેટલાંક જાણીતાં મંદિરો તથા ગુરુદ્વારા દ્વારા સખાવતના ધોરણે અપાતાં ભોજનની વ્યવસ્થા પર પણ માઠી અસર પડી છે. કેટલાંક મંદિરોમાં રોજિંદો પ્રસાદ  કાંતો બનવાનો  બંધ કરી દેવાયો છે અથવા  તો ફ્રૂટ્સ કે અન્ય કોરી ખાદ્ય ચીજોની પસંદગી કરવામાં આવી રહી છે. 

મુંબઈની સંખ્યાબંધ મીઠાઈ તથા  ફરસાણ બનાવનારી દુકાનોમાં પણ નવો સપ્લાય બંધ  થઈ ગયો છે. મીઠાઈની અનેક દુકાનો નાના-મોટાં કારખાનાંઓમાં બનતી  તૈયાર મીઠાઈઓ તથા ફરસાણ જ પોતાને ત્યાં રાખતા હોય છે. આ બધાં કારખાનાં  બંધ પડી ગયાં છે .

નાની-મોટી ઈવેન્ટસ માટે કેટરિંગ પૂરું પાડનારા પણ બેહાલ  છે. કેટલાક કેટરિગં સંચાલકો  પાઈપ્ડ ગેસનું  કનેક્શન  હોય તેવાં  કિચન સાથે કોન્ટ્રાક્ટસ  કરી   રહ્યા છે. જોકે, બધા  કેટરિંગવાળા તેટલા નસીબદાર  નથી. અગાઉથી જુદા  જુદા  પ્રસંગોના ઓર્ડર  લઈ બેઠેલા  કેટરર્સ હવે  તેમની બૂકિંગ  ફી  પાછી વાળી  રહ્યા છે.