નાશિકમાં બાઈક સાથે ટકરાયા બાદ કાર નાળામાં પડતાં 7નાં મોત
જન્મ દિવસની ઉજવણી કરીને ઘરે જતી વખતે અકસ્માત
મહિલા-બાળકોનો સમાવેશઃ કારમાંથી બહાર ન નીકળી શકતાં પાણીમાં ગૂંગળાયાંઃ રાતની ઘટનાની જાણ મોડી થતાં તત્કાળ મદદ ન મળી
મુંબઈ - નાશિકમાં બર્થ-ડે સેલિબ્રેશન બાદ ઘરે જતી વખતે કાર અને બાઈક ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં બાળક સહિત સાત જણ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. કાર નાળામાં પડી જતા પ્રવાસીઓ બહાર નીકળી શકયા નહોતા અને ડૂબી ગયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.
આ દુર્ઘટનાને કારણે જન્મ દિવસની ઉજવણી પર શોકની છાયા ફરી વળી હતી.પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. મૃતકો એકબીજાના સંબંધીઓ હતા. તેઓ અન્ય એક સંબંધીના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપીને કારમાં નાશિકના દિંડોરી તાલુકામાં સારસાળે ઘરે પરત ફરી રહ્યા હતા.
દરમિયાન નાશિકના વાણી- દિંડોરી રસ્તા પર ગઈકાલે રાતે આ ઘટના બની હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે 'પોલીસને રાતે ૧૧.૫૭ વાગ્યે અકસ્માતની માહિતી મળી હતી.
ત્યારબાદ પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૃ કરી હતી. પોલીસ બનાવની જગ્યાએ પહોંચી ત્યારે કાર અને બાઈક નાળામાં મળી આવ્યા હતા.
કારનું આગળનું ટાયર ફાટતા ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. કાર સામેથી આવતી બાઈક સાથે ટકરાઈને રસ્તાની બાજુમાં નાળામાં પડી ગઈ હતી. નાળામાં પાણી હતું.
કારમાં જઈ રહેલા પ્રવાસીઓ બહાર આવીશક્યા નહોતા. તેમના નાક અને મોંઢામાં પાણી ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં દેવિદાસ પંડિત ગાંગુર્ડે (ઉં.વ.૨૮) તેમની પત્ની મનીષા (ઉં.વ.૨૩), બે વર્ષીય પુત્ર ભાવેશ, તથા ઉત્તમ એકનાથ જાધવ (ઉં.વ.૪૨), તેની પત્ની અલકા (ઉં.વ.૩૮), તથા દત્તાત્રે નામદેવ વાઘમારે (ઉં.વ.૪૫) તેની પત્ની અનુસયા (ઉં.વ.૪૦) ડૂબી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સાતના મોત થયા હતા.
બાઈક પર જઈ રહેલા અજય ગોંદ (ઉં.વ.૧૮), મંગેશ કુરઘડે (ઉં.વ.૨૫)ને ઈજા થઈ હતી. દરમિયાન એવું કહેવાય છે કે રાતના સમયે હાઈવે પર ટ્રાફિક ઓછો હોવાથી તાત્કાલિક અકસ્માતની જાણ થઈ નહોતી.