Get The App

6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીઓને દસમાંના પેપર તપાસવા અપાયાં

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીઓને દસમાંના પેપર તપાસવા અપાયાં 1 - image

સતારાના શિક્ષકે પેપર ચેકિંગનું કામ વિદ્યાર્થિનીઓને સોંપી દીધું 

હાઈસ્કૂલના સીસીટીવી  ફૂટેજ પરથી પોલ પકડાઈઃ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં બહાર આવતાં વાલીઓમાં રોષ

મુંબઈ  -  રાજ્યમાં દસમાં અને બારમાં ધોરણના પેપર લીક થવાના કેસની હાલ તપાસ ચાલી રહ્ી છે. ત્યારે સતારામાં ઉતેશ્વર હાઈસ્કૂલમાં એક શિક્ષકે છઠ્ઠા ધોરણની બે વિદ્યાર્થિનીઓને દસમાં ધોરણનુંં મરાઠી વિષયનું પેપર તપાસવા આપ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ સમ્રગ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના કારણે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને સંબંધિત શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વિડાવણીની ઉતેશ્વર હાઈસ્કૂલમાં વૈભવ શેંડે નામના શિક્ષક  ફરજ બજાવે છે. દસમાં ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે અને ઉત્તરવહીઓ તપાસવાનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

દસમાં ધોરણની પરીક્ષા વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. જો કે, આ શિક્ષકે પોતાની જવાબદારી ભૂલીને છઠ્ઠા ધોરણમાં ભણતી બે સગીરાઓને ઉત્તરવહીઓ તપાસવાનું કામ સોંપ્યું હતું. એવું સામે આવ્યું છે કે શિક્ષક પોતે તપાસવાને બદલે આ સગીરાઓની મદદથી મરાઠી વિષયનું પેપર ચકાસી રહ્યા છે.

આ સમ્રગ ઘટના શાળાના પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. વીડિયોમાં શિક્ષક વૈભવ શેંડે બે વિદ્યાર્થિનીઓને સૂચનાઓ આપી રહ્યા છે અને શિક્ષકની બાજુમાં બેસીને બંને વિદ્યાર્થિનીઓ  ઉત્તરવહીઓ તપાસી રહી છે.

આ વીડિયો સામે આવ્યા બાદ શિક્ષણ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વધુમાં વાલીઓએ એવી લાગણી વ્યક્ત કરી છે કે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ કે જેમને દસમાં ધોરણનો અભ્યાસક્રમ પણ ખબર નથી. તેમના દ્વારા પેપર્સ તપાસવા એ દસમાંના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત છે.

છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા દસમાં ધોરણના પેપર તપાસવાની ઘટના બાદ શાળા પ્રશાસન અને સંબંધિત શિક્ષક પર સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષણ વિભાગે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને આ અંગે ફરિયાદ નોંધાયા બાદ કોલ્હાપુર વિભાગને શિક્ષણ વિભાગ તરફથી જિલ્લા સ્તરનો રિપોર્ટ મળ્યો છે. તેથી આ વિભાગના અધિકારીઓ શાળાની મૂલાકાત લઈને સીસીટીવી ફૂટેજ તપાસશે.

આ ઘટનાને કારણે હવે જિલ્લામાં બોર્ડની પેપર ચકાસણી પ્રક્રિયાની પારદર્શિતા પર પણ શંકાઓ ઉભી થઈ રહી છે અને તેથી જ શિક્ષણ વિભાગ દ્વારા હવે અન્ય કેન્દ્રો પર પણ કડક નજર રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.