બનાવટી દસ્તાવેજોના આધારે જમીનના સોદામાં ૬૭ લાખની છેતરપિંડી
- સિડકો સહિતની એજન્સીઓના નકલી કાગળ આપ્યા
- ઉલવે વિસ્તારમાં પ્લોટ ખરીદવા જતાં બિલ્ડર ઠગાયા, ચાર ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ
મુંબઈ ઃ નવી મુંબઇ પોલીસે જમીનના સોદામાં ૩૫ વર્ષીય રિયલ એસ્ટેટ ડેવલપર સાથે રૂા. ૬૬.૭૫ લાખની છેતરપિંડી કરવા બદલ ચાર આરોપી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
નવી મુંબઇના ઉલવે વિસ્તારમાં પ્લોટના આરોપીએ બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા એગ્રીમેન્ટ, સીટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ના ટ્રાન્સફર ઓર્ડરના દસ્તાવેજો સાથે પણ ચેડાં કર્યા હતા. આમ તેમણે સાનાપાડમાં રહેતા બિલ્ડરનો વિશ્વાસ જીતી લીધો હતો, એમ સીબીડી પોલીસ સ્ટેશનના અધિકારીએ ફરિયાદને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું.
આમ આ ટોળકીએ કથિત રીતે જમીનના ખરીદી- વેચાણના સોદામાં ડિસેમ્બર ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન બિલ્ડર પાસેથી રૂા. ૬૬.૭૫ લાખ લીધા હતા અને તેમની સાથે છેતરપિંડી કરી હતી. ડેવલપરની ફરિયાદના આધારે પોલીસે ચાર વ્યક્તિ સામે છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે.