માત્ર 4 ફલાઇટ્સ જ ઓપરેશનલ કારણોસર કેન્સલ
ડીજીસીએ દ્વારા દસ ડિસેમ્બરથી દસ ફેબુ્રઆરી સુધીે સત્તાવાર ધુમ્મસ સમયગાળો જાહેર કરવામાં આવ્યો છે
મુંબઇ - ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મંગળવારે દેશના વિવિધ એરપોર્ટ્સ પર ૫૦થી વધારે ફલાઇટ્સ કેન્સલ કરી નાંખવામાં આવી તે પછી ગુરૃવારે પણ એરલાઇનની વેબસાઇટ પર જણાવવામાં આવેલી માહિતી અનુસાર ૬૭ ફલાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. જો કે, આ ૬૭ ફલાઇટ્સમાંથી માત્ર ચાર ફલાઇટ ઓપરેશનલ કારણોસર અને બાકીની ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી. અગરતલા, ચંદીગઢ, દેહરાદુન, વારાણસી, બેન્ગાલુરૃ અમૃતસર સહિત અનેક એરપોર્ટ્સ પર ખરાબ હવામાનની આગાહીને પગલે ઇન્ડિગોની ફલાઇટ્સ કેન્સલ કરી નાંખવામાં આવી હતી.
ડીજીસીએ દ્વારા જાહેર કરવામાં આવેલાં શિયાળુ સમયપત્રક અનુસાર દસ ડિસેમ્બરથી દસ ફેબુ્રઆરી સુધીના સમયને સત્તાવાર ધુમ્મસ સમયગાળો જાહેર કરવામાં આવ્યો છે. ડીજીસીએના ધુમ્મસભર્યા વાતાવરણના કેટેગરી થ્રી બી વિમાની ધારાધોરણો અનુસાર વિમાનવ્યવહાર કરવાનો રહેશે. આ સમયગાળામાં એરલાઇન્સે લો વિઝિબિલિટી કંડિશનમાં વિમાન ઉડાડવાનો અનુભવ ધરાવતાં પાઇલટ્સને ફરજિયાત ડયુટિ સોંપવાની રહેશે અને કેટેગરી થ્રી બીને અનુકૂળ વિમાની કાફલાને કાર્યરત કરવાનો રહેશે. કેટેગરી થ્રીે એડવાન્સ્ડ નેવિગેશન સિસ્ટમ છે જે વિમાનને ધુમ્મસભર્યા વાતાવરણમાં ઉતરવા માટે સક્ષમ બનાવે છે. જ્યારે કેટેગરી થ્રી એમાં પ્રિસિઝન ઉપકરણો દ્વારા વિમાનને ૨૦૦ મીટરની રેન્જમાં ઉતરાણ કરવા સક્ષમ બનાવે છે. જ્યારે કેટેગરી થ્રી બીમાં વિમાન ૫૦ મીટરથી ઓછી રેન્જમાં પણ ઉતરાણ કરી શકે છે.
એકથી નવ ડિસેમ્બર દરમ્યાન યોગ્ય આયોજનના અભાવે રાહુલ ભાટિયાની વડપણ તળેની આ ઇન્ડિગો એરલાઇન્સની હજારો ફલાઇટ્સ કેન્સલ થવાને કારણે મોટો હોબાળો મચી ગયો હતો. જેને પગલે સરકારે મુકેલાં નિયંત્રણોને કારણે હાલ ઇન્ડિગો એરલાઇન્સ ડોમેસ્ટિક રૃટ પર રોજ ૧૯૩૦થી વધારે ફલાઇટનું સંચાલન કરી શકે તેમ નથી.
દરમ્યાન ઇન્ડિગોએ એક્સ પર મુકેલી ટ્રાવેલ એડવાઇઝરીમાં ધુમ્મસને કારણે બેન્ગલોરમાં ફલાઇટના શેડયુઅલ પર અસર થશે તેમ જણાવ્યું હતું.


