સરકારી- અર્ધ સરકારી કર્મચારીઓ સામેલ
ચાર હજારથી વધુ કર્મચારીઓને વારંવાર નોટિસ બાદ પોલીસ કેસો દાખલ કરવાનું શરુ
મુંબઇ - હાનગરપાલિકાની ૧૫મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી માટેની કામગીરીની તાલીમ માટે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગોમાં ગેરહાજર રહેવા માટે ૬,૮૭૧ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશાસન તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.
નોટિસ મ ળ્યા પછી ૨૩૫૦ કર્મચારીઓ તાલીમ કાર્યક્રમમાં સામેલ થઇ ગયા હતા. પરંતુ વારંવાર સૂચના અપાયા છતાં ગેરહાજર રહેલા ૪,૫૨૧ કર્મચારી અને અધિકારીઓ સામે આજથી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમાં મુંબઇ મહાપાલિકા સહિત બેસ્ટ, નેશનલાઇઝડ બેંક, વીમા કંપની, એચપીસીએલ, એલઆઇસી, મ્હાડા, ટપાલ, રેલવે, આરસીએફ, નાબાર્ડ સહિત સરકારી અને અર્ધસરકારી ક્ષેત્રના કર્મચારી અને અધિકારીઓનો સમાવેશ થાય છે.
મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પાર પાડવા માટે જંગી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની જરૃર પડે છે. એટલે આ અધિકારીઓને તેમ જ કર્મચારીઓને તાલીમ આપવા માટે પહેલા અને બીજા તબક્કાનો પ્રશિક્ષણ કાર્યક્રમ પૂરો થઇ ગયો છે. આ કાર્યક્રમમાં ગેરહાજર રહેલાને ૧૦મી જાન્યુઆરી સુધીમાં હાજર થવાની આખરી મહેતલ આપવામાં આવી હતી. આમ છતાં સાડાચાર હજારથી વધુ કર્મચારીઓ હાજર ન થતા આજથી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ગુનાની નોંધ, દંડાત્મક પગલાં અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.


