વરિષ્ઠ ડોક્ટરો જુનિયર ડોક્ટરો પાસે વેઠિયા મજૂર જેમ કામ લે છે
શૈક્ષણિક મંજૂરી તથા ઈચ્ચિત પોસ્ટિંગ માટે લાખો રુપિયાનું ઉઘરાણું ઃ પીજી માટે જરુરી થિસિસ અટકાવવા ધમકીઓ
મુંબઇ - મહારાષ્ટ્રની સરકારી મેડિકલ કોલેજોમાં રહેણાંક (રેસિડેન્ટ) ડોક્ટરોની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. મહારાષ્ટ્ર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (એમએસઆરડીએ) દ્વારા રાજ્યના મેડિકલ એજ્યુકેશન અને ડ્રગ્સ વિભાગને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે ઓપીડી, વોર્ડ, આઈસીયુ અને ઇમરજન્સી સેવાઓમાં મુખ્ય ભૂમિકા ભજવનારા રેસિડેન્ટ ડોક્ટરો ખરાબ વહીવટી વ્યવસ્થાઓના કારણે ભારે તણાવમાં છે, જે તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને અસર કરી રહ્યું છે.
સૌથી ગંભીર સમસ્યાઓમાં લાંબા કામના કલાકોની છે, જેમાં ડોક્ટરોને સતત ૪૮ થી ૫૬ કલાક સુધી કોઈ બ્રેક વિના ડયૂટી કરવી પડે છે. દર્દીઓની સંખ્યા વધુ હોવાને કારણે આવી શિફ્ટો વારંવાર આવતી હોય છે. એસોસિએશન મુજબ લગભગ ૬૫ ટકા ડોક્ટરો માનસિક તણાવ અને હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. તે સાથે જ હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓનો અભાવ અને હોસ્ટેલમાં સાંકડી અને ગંદી જગ્યા જેવી સમસ્યાઓને કારણે ડોક્ટરોને યોગ્ય આરામ પણ મળી શકતો નથી.
ડોક્ટરોએ સિસ્ટમમાં શોષણ અને સત્તાનો દુરુપયોગ થવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. કેટલાક વિભાગ પ્રમુખો (એચઓડી) દ્વારા થિસિસ મંજૂરી અટકાવવાની ધમકી આપવામાં આવે છે, જે પોસ્ટગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે જરૃરી છે. ઉપરાંત, કેટલાક કેસોમાં ડોક્ટરોને વ્યક્તિગત કામો કરાવવા માટે મજબૂર કરવામાં આવે છે. સાથે જ, શૈક્ષણિક મંજૂરી અથવા ઇચ્છિત પોસ્ટિંગ માટે ૨ થી ૩ લાખ રુપિયા સુધીની માંગ કરવામાં આવતી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
આ સિવાય સ્ટાઇપેન્ડમાં વિલંબ અને રજાની સ્પષ્ટ નીતિના અભાવને કારણે સમસ્યાઓ વધુ ગંભીર બની છે. એસોસિએશને સમયસર સ્ટાઇપેન્ડ ચૂકવણી, ઓછામાં ઓછી રજા સુવિધા અને હેરાનગતિના કેસોમાં ગોપનીય ફરિયાદ વ્યવસ્થા જેવા સુધારાઓની માંગ કરી છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો તેનો પ્રભાવ માત્ર તેમના આરોગ્ય પર નહીં પરંતુ દર્દીઓની સારવાર અને સમગ્ર આરોગ્ય સેવાઓ પર પણ પડશે.


