વાલીઓ બાળકોને માતૃભાષામાં ભણાવવા નથી ઈચ્છતા
હવે ગુજરાતી માધ્યમની ૧૭૨ શાળાઓ બચીઃ અંગ્રેજી માધ્યમની ૪૨૬ નવી સ્કૂલો ઉમેરાઈ
મુંબઈ - વિદ્યાર્થી સંખ્યા અને સંચમાન્યતાની કપરી શરતોને લીધે શાળાઓને મોટી અસર પડી રહી છે. જેની અસરરુપે ગત ચાર વર્ષમાં ગુજરાતી માધ્યમની ૨૬ તો મરાઠી માધ્યમની ૬૨૪ શાળાઓ ઘટી છે. દરમ્યાન અંગ્રેજી માધ્યમની નવી ૪૨૬ સ્કૂલો ઉમેરાઈ છે. ભારતીય ભાષાની શાળાઓ બચાવવા જો મહારાષ્ટ્ર સરકાર પગલાં નહીં લે તો મોટા પાયે સ્કૂલોને અસર થવાની સંભાવના છે.
કોંકણ, વિદર્ભ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર વિભાગમાં મરાઠી માધ્યમની સ્કૂલોને મોટી અસર થઈ છે. દરમ્યાન નાસિક, અમરાવતી, મુંબઈ જેવા વિસ્તારમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોને પણ અસર પડી છે. છતાં ગુજરાતી માધ્યમની શાળાઓ હજી પોતાનું અસ્તિત્વ ટકાવીને અંગ્રેજી માધ્યમના માર સામે પોતાની આગવી સુવિધાઓ વિદ્યાર્થીઓને પૂરી પાડી તે લડી રહી છે.
યુડાયસની આંકડાકીય માહિતીનુસાર, ૨૦૨૨-૨૩માં મરાઠી માધ્યમની ૮૬,૧૫૭ સ્કૂલો હતી જે ઘટીને ૨૦૨૫-૨૬માં ૮૫,૫૩૩ જેટલી થઈ છે. જ્યારે ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા ઉક્ત વર્ષોમાં ૧૯૮માંથી ઘટીને ૧૭૨ જેટલી થઈ છે. તેથી ઉલટું અંગ્રેજી માધ્યમની શાળાઓનો પ્રભાવ શહેર સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ વધ્યો છે અને ૨૦૨૨-૨૩માં ૧૪,૮૧૦માંથી ૨૦૨૫-૨૬માં આ સ્કૂલો ૧૫,૨૩૬ જેટલી થઈ ગઈ છે. ૨૦૨૪-૨૫ની તુલનાએ ૨૦૨૫-૨૬માં રાજ્યની મરાઠી માધ્યમની ૧૯૯ સ્કૂલો બંધ થઈ હોવાનો પણ અંદાજ મળ્યો છે.


