પાક છોડીને ભારત આવેલા 60 હિંદુઓને હજુ નાગરિકત્વની પ્રતીક્ષા
પાકિસ્તાનને ભારત બરાબરનો પાઠ ભણાવે તેવી માંગ
અત્યાચારોથી ત્રાસીને પાક છોડીને ભારત આવેલા અનેક પરિવારો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વસી ગયા
મુંબઈ, - કાશ્મીરના પહલગામમાં હિન્દુ પર્યટકોને ટેરરિસ્ટોએ ગોળીનું નિશાન બનાવ્યા તે સંદર્ભમાં કોલ્હાપુરમાં વસતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર પાકિસ્તાનને એવો પાઠ ભણાવે કે ભવિષ્યમાં આવી હરકત કરવાની ખો ભૂલી જાય.
પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતી પર ગુજારવામાં આવતા અત્યાચારમાંથી છૂટવા માટે ચારેક દાયકા પહેલાં સિંધ પ્રાંતમાંથી ભારત આવીને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૬૦ જણ વસી ગયા છે. તેમને ભારતના નાગરિકત્વ મળે તેની લાંબા સમયથી પ્રતીક્ષા છે. આમાં ૩૨ પુરુષ અને ૨૮ મહિલાનો સમાવેશ થાય છે.
કોલ્હાપુરમાં ગાંધીનગરમાં રહેતા સાવિત્રીકુમારી કશેલા ૩૦ વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધથી પરિવાર સાથે ભારત આવીને વસ્યા છે. તેમણે કહ્યું હતું કે મારો જન્મ ભલે પાકિસ્તાનમાં થયો હોય, પણ મારા સગાસંબંધીઓ ભારતમાં છે. અમારા ધાર્મિક સ્થળો ભારતમાં છે. અમારા વડવાઓ અખંડ ભારતમાં જ વસતા હતાને? આ કારણસર અમારી જેમ અનેક સિંધીઓ અને હિન્દુઓ પાકિસ્તાન છોડી ભારત આવવા માગે છે.
કમલેશકુમાર અડવાણી અત્યારે ૫૩ વર્ષના છે. ૧૧ વર્ષના બાળક હતા ત્યારે સિંધથી પરિવાર સાથે ભારત આવી ગયા હતા. કોલ્હાપુરના ગાંધીનગરમાં અનિતાકુમારી અને સુનિતાકુમારી મોટવાણી આ બન્ને બહેનો ૧૯૯૧માં પાકિસ્તાનથી ભારત આવીને કોલ્હાપુરમાં સ્થાયી થઈ છે. તારારાણી ચોકમાં રહેતા વયોવૃદ્ધ અશોકકુમાર સચદેવે ૫૦ વર્ષ પાકિસ્તાનમાં ગુજાર્યા પછી ૨૦૦૪માં કોલ્હાપુરમાં આવીને વસ્યા છે.
મુસ્લિમ દેશોમાં વસતા લઘુમતી હિન્દુઓ ભારત આવીને વસવાટ કરે ત્યારે તેને ભારતનું નાગરિકત્વ આપવાની શરૃઆત થઈ ગઈ છે. ગુજરાતના રાજકોટમાં તેમ જ દેશના અન્ય ભાગોમાં પાકિસ્તાન છાડીને આવેલા હિન્દુઓને વસાવવામાં આવ્યા છે અને નાગરિકત્વ પણ આપવામાં આવ્યું છે. એટલે કોલ્હાપુરમાં વસતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓને આશા બંધાણી છે કે તેમને પણ નાગરિકત્વ આપવામાં આવશે.