ચોથા માળનો સ્લેબ ત્રીજા, બીજા માળને નુકસાન કરી ગ્રાઉન્ડ ફલોર પર પડયો
40 વર્ષ જૂની સપ્તશ્રુંગી ઈમારતને જોખમી જાહેર કરી ખાલી કરવા ચેતવણી અપાઈ હતીઃ કાટમાળ હેઠળ દટાયેલા છ ઘાયલ
મુંબઈ - કલ્યાણ પૂર્વમાં આજે સપ્તશ્રૃંગી ચાર માળની ઈમારતના બીજા માળના એક ફલેટનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાક લોકો કાટમાળ નીચે જ દટાઈ ગયા હતા. આ ઘટનામાં દોઢ વર્ષના બાળક સહિત છ લોકોના મોત નીપજ્યાં હતાં.ત્રણ બાળકો સહિત અન્ય છ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. આ ઘટનાથી કલ્યાણમાં ચકચાર મચી ગઈ હતી.
કલ્યાણમાં આજે બપોરે પૂર્વમાં આવેલા મંગલરાધો નગરમાં ચિકનીપાડા વિસ્તારમાં ચાર માળની સપ્તશ્રૃંગી ઈમારનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ૫૮ વર્ષીય પ્રમિલા સાહુ, ૩૭ વર્ષીય સુનીતા સાહુ, ૩૨ વર્ષીય શુશીલ ગુજર, ૪૨ વર્ષીય વેંકટ ચવ્હાણ, ૩૮ વર્ષીય સુજાતા વાડી અને એક દોઢ વર્ષના નમસ્વી શેલારનુંં મોત નીપજ્યું હતું. તો અન્ય છ લોકો ૪૮ વર્ષીય અરુણા નારાયણ, ચાર વર્ષીય શર્વિલ શેલાર, ચાર વર્ષીય વિનાયક પાધી, ૧૩ વર્ષીય યશ ક્ષીરસાગર, ૨૬ વર્ષીય નિખિલ રાવત અને ૧૪ વર્ષીય શ્રદ્ધા સાહુ વગેરે ઘાયલ થયા હતા. ૪૦ વર્ષીય જુની સપ્તશ્રૃંગી ઈમારતમાં ૫૦ પરિવારો રહેતા હતા. જેમાં આજે બપોરે એક પરિવાર ચોથા માળે તેમના ઘરનું જાળવણી અને સમારકામ શરુ કરી રહ્યા હતા. ત્યારે અચાનક સ્લેબ તૂટી પડતા તે ત્રીજા માળ, બીજા અને પહેલા માળ થી થઈ સીધા ગ્રાઉન્ડ ફલોર પર તૂટી પડયો હતો. આ ઘટનામાં ઈમારતના કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
સ્લેબ હેઠળ ફસાયેલા પરિવારના સભ્યો મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. જેથી ઈમારતના અન્ય સભ્યો અને આસપાસના સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવકામગીરી શરુ કરી હતી. આ બાદ કેટલાક લોકોએ તરત જ ફાયર વિભાગને સંપર્ક કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ,પોલીસની ટીમ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી.
અન્ય છ લોકોને પણ કાટમાળ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઘાયલોેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં મોડી રાત સુધી પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા હોવથી તેથી ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકથી વધુ સમયથી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં કાટમાળ દૂર કરીને કોઈ હજુ પણ કાટમાળ નીચે દટાયેલ છે કે કેમ તેની શોધખોળ હાથ ધરાઈ છે.
તાજેતરમાં નિરીક્ષણ બાદ મહાપાલિકા તરફથી આ ઈમારતને જોખમી ઈમારત તરીકે જાહેર કરવામાં આવી હતી અને જોખમી ઈમારતની યાદીમાં પણ તેનું નામ હતું. વધુમાં પાલિકા તરફથી આ મામલે નોટીસ પણ જારી કરવામાં આવી હતી તથા રહેવાસીઓને ચોમાસા પહેલા અહીં ફલેટો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, તે પહેલા જ આ ઘટના બનતા લોકોમાં પાલિકાની કામગીરી વિરુદ્ધ રોષ વ્યાપ્યો હતો.
આ ઘટના બાદ ફાયર વિભાગે સલામતી ધોરણે આખી ઈમારત ખાલી કરાવી હતી અને તમામ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ બાદ પાલિકા અધિકારીઓએ આ જોખમી ઈમારત અંગે કાર્યવાહી શરુ કરી હતી.


