ભૂતપૂર્વ મેયર, કોર્પોરેટર અને મુખ્ય કાર્યકરોનો સમાવેશ
મહાયુતિના ઉમેદવારને સહકાર નહીં આપવા બદલ આ કાર્યકર્તાઓ સામે પક્ષે લીધાં પગલાં
મુંબઈ - ભાજપે ૧૫જાન્યુઆરીએ મુંબઈ સહિત ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી પહેલા પાર્ટી શિસ્ત ભંગ બદલ મુંબઈ અને નાગપુરના ૫૮ પદાધિકારીઓને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં ભૂતપૂર્વ મેયર, કોર્પોરેટર અને મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે. જેમના પર સત્તાવાર ઉમેદવારો સામે બળવો, પક્ષની છબીને દૂષિત કરવાનો પ્રયાસ અને મહાયુતિના ઉમેદવારો સાથે સહકાર આપવામાં નિષ્ફળતાનો આરોપ છે.
ભારતીય જનતા પાર્ટી એ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે તેના કાર્યકર્તાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પક્ષવિરોધી ગતિવિધિઓને કારણે પાર્ટીએ ચૂંટણી પહેલા જાણીતા નેતા-કાર્યકરો સામે પાર્ટીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમે ૨૬ પક્ષ કાર્યકરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ અંગે મુંબઈ ભાજપ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે વારંવાર ખાતરી આપવા છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ૨૦૨૬માં મહાયુતિના ઉમેદવારને સહકાર નહીં આપવા બદલ આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નોટિસ ગુરુવાર, ૮ જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવી હતી.
મુંબઈમાં ૨૬ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા હતા. નાગપુરમાં સસ્પેન્ડ કરાયેલા ૩૨ વ્યક્તિનો સમાવેશ છે. ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીના પરિણામો ૧૬ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
આ ઝુંબેશમાં બે મુખ્ય ગઠબંધનો, મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના ઘટકો વચ્ચે ભારે રોષ જોવા મળ્યો છે, જેઓ કેટલાક શહેરોમાં અલગ અલગ લડી રહ્યા છે અને કેટલાક શહેરોમાં નવા અને અસંભવિત સંગઠનોમાં લડી રહ્યા છે.


