ફલાઈટમાં 14 કલાકના વિલંબ છતાં ફક્ત બર્ગર-કાતરી અપાતાં 55000નો દંડ
સ્પાઈસ જેટને મુંબઈ જિલ્લા ગ્રાહક કોર્ટે દંડ ફટકાર્યો
આટલા વિલંબના સમયગાળામાં ચા નાસ્તો, ભોજન, આરામની સગવડો આપવાની કંપનીની ફરજ હતી
મુંબઈ - ફલાઈટમાં ૧૪ કલાક વિલંબ થવા છતાં પ્રવાસીઓને ફક્ત એક બર્ગર અને કેટલીક કાતરી (ફ્રાઈસ) આપનારી સ્પાઈસ જેટ એરલાઈન્સને ગ્રાહક કોર્ટ દ્વાર ૫૫ હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મુંબઈ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે અવલોકન કર્યું હતું. 'વિમાન ટેકનિકલ ખામીના કારણે મોડું પડયું હતું અને વિમાન પ્રવાસ માટે સજ્જ ન થાય ત્યાં સુધી પ્રવાસીઓની કાળજી લેવાની વિમાની કંપનીની ફરજ છે.'
'ભોજન, ચા- નાસ્તો, પાણી, આરામ કરવાનું સ્થળ વિગેરે વ્યવસ્થા કરવી જરૃરી છે. પ્રવાસીઓને સતત માહિતગાર કરવા જોઈએ. ૧૪ કલાકથી વધુ વિલંબ થયો હતો અને ફક્ત એક બર્ગર અને ફ્રાઈસ પ્રવાસીઓને આપવામાં આવ્યા હતા. તે હકીકત છે.
ફરિયાદી પ્રવાસીએ દુબઈથી મુંબઈની સ્પાઈસજેટ ફલાઈટની ટિકિટ લાધી હતી જેમાં ઘણો વિલંબ થયો હતો. ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ની ગાઈડલાઈન્સ અનુસાર પ્રવાસીઓએ જેટલીવાર (કલાકો અનુસાર) ફલાઈટની રાહ જોવી પડે છે. તેટલા સમયગાળા ભોજન, ચા-નાસ્તો અને હોટેલમાં રૃમ આપવાની ફરજ છે તેવું પ્રવાસીએ ફરિયાદમાં લખ્યું હતું.
ડીજીસીએના સિવિલ એવિયેશન રિકવાર્યમેન્ટલ અનુસાર ટેકનિકલ ખામીઓ સહિતના અસાધારણ સંજોગોમાં એરલાઈન કંપનીને વળતરમાંથી મુક્તિ મળે છે તેવો બચાવ સ્પાઈસ જેટે રજુ કર્યો હતો. પ્રવાસીઓને વિલંબની જાણ કરવામાં આવી હતી અને નવા સમય પ્રમાણે પ્રવાસી ફરિયાદ વગર વિમાનમાં બેઠો હતો.
ફલાઈટ લોગ્સ, નોટિસિસ, કમ્યુનિકેશન્સ વિગેરે સાથે વિમાની કંપનીએ ભરેલા પગલાંની માહિતી આપવી જોઈએ તેવું ગ્રાહકપંચે કહ્યું હતું. 'સેવામાં કોઈ કમી ન હતી તેવો દાવો' પુરવાર કરવામાં વિમાની કંપની નિષ્ફળ ગઈ છે તેવું ગ્રાહકપંચે કહ્યું હતું. માનસિક, શારીરિક, થક બદલ પ્રવાસીએ રૃ.ચાર લાખનું વળતર માગ્યું હતું પણ તેના સમર્થનમાં 'પર્યાપ્ત' કારણો નથી તેવું કહી પંચે રૃ.૫૦,૦૦૦નું વળતર જાહેર કર્યું હતું અને કાયદાકીય કાર્યવાહીના ખર્ચ બદલ વધુ ૫,૦૦૦ રૃપિયા ચૂકવવા વિમાની કંપનીને આદેશ કર્યો હતો.