2 કરોડની લાંચ માગનારા પીએસઆઈના ઘરેથી 51 લાખ રોકડા મળ્યા

સોના ચાંદીના દાગીના સહિતના દસ્તાવેજો પણ જપ્ત
4 કરોડની છેતરપિંડીના વિવાદમાં 2 કરોડની લાંચ માગી હતીઃ 46 લાખનો હપ્તો સ્વીકારતાં રંગે હાથ ઝડપાયો હતો
મુંબઇ - ચાર કરોડ રૃપિયાની આર્થિક છેતરપિંડીના કેસમાં બે કરોડ રૃપિયાની લાંચ માગનાર અને તેનો પહેલો હપ્તો સ્વીકારતી વખતે પકડાઇ ગયેલા પિંપરી-ચિંચવડ પોલીસની આર્થિક ગુના શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર પ્રમોદ રવિદ્ર ચિંતામણીના ઘરેથી પોલીસને ૫૧ લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના અને પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા હતા.
આ બાબતે વધુ વિગતાનુસાર આર્થિક છેતરપિંડીના કેસમાં આરોપી પ્રમોદ ચિંતામણીએ એક કરોડની લાંચ પોતાના માટે અને એક કરોડની લાંચ પોતાના વરિષ્ઠ પોલીસ નિરિક્ષકના નામે માગી હતી. આ રીતે કુલ બે કરોડ રૃપિયાની લાંચની રકમ માંગવામાં આવી હતી. ત્યાર બાદ એસીબીમાં આ બાબતે ફરિયાદ થતા એસબીએ જાળ બીછાવી હતી જેમાં આરોપી ૪૬ લાખ રૃપિયાની લાંચનો હપ્તો સ્વીકારતા પકડાઇ ગયો હતો.
આ ઘટના બાદ પોલીસે તેના ભોસરીના દિઘી રોડ પર આવેલા ઘરે છાપો માર્યો હતો. પોલીસે તેના ઘરની ઝડતી લેતા ૫૧ લાખ રૃપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના તેમજ પ્રોપર્ટીના દસ્તાવેજો પણ જપ્ત કર્યો હતો. એક સબ-ઇન્સ્પેકટરના ઘરે પહેલીવાર જ આવી મોટી રોકડ રકમ મળી આવી છે.
આ ઘટના બાદ પ્રમોદ ચિંતામણીને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

