Get The App

ધૂળેમાં બૂથ પાસે 500ની નોટો ઉડાડાઈઃ કર્જતમાં ઈવીએમ ખોટકાયાં

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ધૂળેમાં બૂથ પાસે 500ની નોટો ઉડાડાઈઃ કર્જતમાં ઈવીએમ ખોટકાયાં 1 - image

પાલિકા ચૂંટણીઓમાં ઠેર ઠેર બોગસ વોટિંગની ફરિયાદો

કેટલાંક સ્થળે દીપડાની દહેશતને લીધે મતદાન વહેલું સમેટાયું ઃ તુળજાપુરમાં મતદાન મથકમાં જ મહિલાનું મોતઃ 

મુંબઇ -  મહારાષ્ટ્રમાં આજે નગરપરિષદ અને નગરપંચાયતની ચૂંટણીના મતદાન વખતે પરસ્પર વિરોધી જૂથો વચ્ચે ઘર્ષણ, ઇ.વી.એમ  ખોટવાયાની ફરિયાદો, પૈસાની ખુલ્લેઆમ લહાણીના બનાવો તેમ જ અમુક જગ્યાએ દીપડાની દહેશતને લીધે વહેલાસર મતદાન કરી ઉતાવળે ઘરે પાછા ફરેલા મતગારો પણ જોવા મળ્યા હતા.  ધૂળેના શિંદખેડા ગામે એક ઉમેદવારના કહેવાતા સમર્થકે મતદાન કેન્દ્ર નજીક પાંચસોની નોટોની થોડકીઓ હવામાં ઉછાળી હતી. પૈસાની લૂંટાલૂંટ શરૃ થાય એ પહેલાં પોલીસોએ લોકડાયરામાં કલાકારો પર પૈસા ઉડે એ કલાકારના સાથીઓ ભેગા કરી લે એમ પૈસા ભેગા કરી લીધા હતા.

કર્જતના મતદાન કેન્દ્ર પર ઇવીએમ  ચાર વખત ખોટવાયા હતા. આ મશીનો બદલવામાં અને સમારકામ કરવામાં લગભગ બે કલાક વિતી ગયા હતા. વિલંબને લીધે કેટલાય મતદારો મત આપ્યા વિના પાછા વળી ગયા હતા.

મતદાન વખતે પુણે, નાસિક, અહિલ્યાનગર જિલ્લાના ગ્રામવિસ્તારમાં દીપડાના દહેશત છાની નહોતી રહી. દિવસે પણ ગ્રામજનો ત્રણ- ત્રણના ગુ્રપમાં હાથમાં લાઠી લઇને મત આપવા પહોંચ્યા હતા. કેટલાય લોકોએ સાંજે મત આપવા નીકળવાનું જોખમ લેવાને બદલે  વહેલાસર મત આપી આવવાનું પસંદ કર્યું હતું.  જ્યારે મંચરમાં દીપડાના ભય છતાં વડીલો મતાધિકાર બજાવવા પહોંચી ગયા હતા.

વર્ધામાં આજે જ યુવક- યુવતીના લગ્ન  નિર્ધાર્યા હતા. એટલે વરરાજા અને કન્યા સજીધજીને મતદાન કેન્દ્ર પર મત આપવા ગયા હતા અને ત્યાંથી પછી લગ્ન- મંડપમાં પહોંચ્યા હતા.

ગેવરાઇ ગામે બે જૂથ વચ્ચે અથડામણ બાદ તોફાન ફાટી નીકળ્યું હતું અને કેટલાય વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.  છેવટે પોલીસે હુલ્લડબાજી કરવાવાળાને વિખેરી નાખ્યા હતા. 

હિંગોલીમાં મતદાન કેન્દ્રમાં એક મહિલા વોટર મતદાન કરી રહી હતી એ જ  વખતે શિવસેનાના વિધાનસભ્ય સંતોષ બાંગર પોલીંગ બૂથમાં દાખલ થયા હતા એ દર્શાવતો વિડિયો વાઇરલ થયા બાદ ચૂંટણી પંચના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. સોશ્યલ મિડિયામાં વાઇરલ થયેલા  વિડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે મહિલા જે એન્કલોઝરમાં મત આપી રહી છે ત્યાં જઇને બાંગર ડોકિયું કરે ચે અને પછી મહિલા સાથે કંઇક વાત કરે છે. આ સંદર્ભમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મેં વિડિયો જોયો, પણ અધૂરો છે. એટલે સંબંધિત બૂથના અધિકારીને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી વિગતવાર રિપોર્ટ ચૂંટણી પંચને સુપરત કરવા જણાવ્યું છે. બાંગર પરિવારની વ્યક્તિ ચૂંટણી લડી રહી છે.

તુળજાપુરમાં મતદાન માટે આવેલી વૃદ્ધ મહિલાએ મતદાન કેન્દ્રમાં જ જીવ ગુમાવ્યો હતો. ૬૩ વર્ષના વૃદ્ધા મત આપવા ગયા ત્યારે ચક્કર આવતા ફસડાઇ પડયા હતા અને પળવારમાં મૃત્યુ થયું હતું. 

આજે ઠેકઠેકાણે મોટા પ્રમાણમાં બોગસ મતદાન થયું હતું. શિર્ડીમાં એક મહિલા મતદાર બૂથ ઉપર પહોંચી ત્યારે તેને ખબર પડી હતી કે તેના નામે મત આપીને કોઇ ચાલ્યું ગયું હતું. એક જગ્યાએ તો વૃદ્ધ મતદારના નામે એક તરૃણ વોટ આપીને ચાલ્યો ગયો હતો. આવી જ રીતે ઠેકઠેકાણે ઉમેદવારો વતી પૈસાની લહાણીની વિડિયો વાઇરલ થઇ હતી.  

બદલાપુરમાં વિજિલન્સ સ્કવોર્ડ તરફથી બે લાખ રૃપિયાની રોકડ રકમ જપ્ત કરવ ામાં આવી હતી.

બુલઢાણામાં પાંચ બોગસ મતદારો પકડાયા હતા.