સોલાપુરમાં
સ્ટ્રોંગ રુમની સુરક્ષા સામે બેદરકારીની પોલ ખુલી
મધરાતે
સ્ટ્રોંગ રુમ તોડી કોઈ પેપર ચોરી ગયાની માહિતી, આવી ઘટનાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ,
બોર્ડ પ્રશાસન ઊંઘતું ઝડપાયું
મુંબઈ
- મહારાષ્ટ્ર ધો. ૧૦ના ભુગોળની બોર્ડની
પરીક્ષા બુધવારે યોજાય તે પહેલાં જ મંગળવારે સોલાપુરમાં બોર્ડનાં સ્ટ્રોન્ગ
રુમમાંથી કોઈ ૫૦ પ્રશ્નપત્રનું બંડલ ચોરી જતાં ખળભળાટ મચી ગયો હતો.
પરીક્ષાને આગલે દિવસે જ પેપર ચોરી થવાની આ ઘટના બનતાં
પ્રશાસન પણ ઊંઘતું ઝડપાયું છે. આ વર્ષે અનેક ઠેકાણે કોપી કેસ અને પેપર ફૂટવાના
કિસ્સા સામે આવ્યા છે. મંગળવારે સવારે શિક્ષણ વિભાગ અને કસ્ટોડિયન ગઈ કાલના બચેલા
પેપર બોર્ડ પાસે પોસ્ટમાં નાંખવા માટે આવ્યા ત્યારે સ્ટ્રૉંગ રુમનું તાળું તૂટેલું
દેખાયું. સાંગોલા શહેરની સાંગોલા વિદ્યામંદિરમાં બોર્ડ પરીક્ષાના તમામ પેપર આ
સ્ટ્રૉંગ રુમમાં મૂકવામાં આવ્યા હતા. સવારે સાડા આઠ વાગ્યે આ સ્ટ્રૉંગ રુમ પાસે
અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેનું તાળું તૂટેલું દેખાયું હતું. આ સ્ટ્રૉંગ રુમ
સામેના સીસીટીવી બંધ હોવાથી ચોર કોણ હતું તેની કોઈ ફૂટેજ મળી શકી નથી.
ઘટનાની જાણ થતાં જ સોલાપુરના આસિસ્ટંટ
સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ,
ડીવાયએસપી અને પોલીસ ઈન્સ્પેક્ટર, જિલ્લાધિકારી
વગેરે પણ સ્થળ પર દોડયા હતા. જોકે આ બાબતે હવે બુધવારે ધો.૧૦ની ભૂગોળની
પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે બોર્ડ દ્વારા કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.


