મરાઠવાડાના પૂરગ્રસ્તોને લાલબાગના રાજા તરફથી 50 લાખની સહાય

અતિવૃષ્ટિને લીધે ૨૯ લાખ ખેડૂતોને ફટકો
પાલિકાઓની પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક દિવસનો પગાર રાહત-નિધિમાં આપ્યા
મુંબઇ - મરાઠવાડામાં તબાહી મચાવનારી અતિવૃષ્ટિ અને પૂરના અસરગ્રસ્ત લોકોની સહાય માટે લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ તરફથી ૫૦ લાખનું દાન જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન સહાયતા નિધિમાં મંડળ તરફથી આર્થિક સહાયની રકમ આપવામાં આવશે.
મરાઠવાડામાં છેલ્લા દસ દિવસ દરમ્યાન વારંવાર થયેલી અતિવૃષ્ટિને લીધે ૨૪ લાખ હેકટર ક્ષેત્રમાં ખરીપ પાક કાદવમાં ફેરવાઇ ગયો હતો. ૨૯ લાખથી વધુ ખેડૂતોને જબરજસ્ત ફટકો પડયો છે. પરિણામે દશેરા અને દિવાળીની ઉજવણીનું સપનું રોળાઇ ગયું છે.
મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્તોની મદદ માટે ભંડોળ પાળવવા માટે કેન્દ્રને અનુરોધ કર્યો છે. સરકાર તરફથી અનિવૃષ્ટિ-પૂરમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિજનોને ચાર લાખની સહાય કરવામાં આવી છે. આવી જ રીતે પૂરમાં માર્યા ગયેલા દૂધાળા પશુઓ અને ખેતીમાં કામ આવતા પશુઓના માલિકોને પણ સહાય કરવામાં આવી છે.
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સંચાલિત પ્રાથમિક સ્કૂલના શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર રાહતનિધિમાં આપ્યો છે.








