તલોજામાં રખડતા કૂતરાઓ દ્વારા 4 બાળકો સહિત 5 પર હુમલો

3 વર્ષનાં બાળક પર પણ કૂતરું ત્રાટક્યુંઃ બેને ગંભીર ઈજા
ફક્ત ૨૦ મિનીટના સમયગાળામાં ત્રણ કૂતરા દ્વારા એક પછી એક લોકો પર હુમલાઃ સાત વર્ષની બાળકીને ચહેરા પર ઊંડા ઘા
મુંબઈ - બોરિવલીમાં મહિલા પર રખડતા કૂતરાએ હુમલાની ઘટના હજુ તાજી છે. ત્યારે નવી મુંબઈના તલોજામાં ૨૦ મિનિટની અંદર રખડતા કૂતરાઓએે ત્રણ વર્ષના બાળક સહિત પાંચ લોકો પર હુમલા કર્યા હતા. આ ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના પનવેલના તલોજાના મન્નત અલી વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં ચાર બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બેને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટના મુજબ, તલોજા વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષનો મુસ્તફા અલી પોતાના ઘર પાસે ઉભો હતો. ત્યારે અચાનક એક રખડતા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો. તે સમયે અન્ય બે કૂતરાઓ પર ત્યાં પહોંચ્યા અને બાળક પર હુમલો કર્યો હતો. આ સંપૂર્ણ ઘટના ત્યાં હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ હુમલામાં બાળકના ચહેરા પર ઊંડા ઘા થયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા તેના પર પ્લાસ્ટિક સર્જરી કરાવવા ડોક્ટરે જણાવ્યું હતું.
અન્ય કિસ્સામાં સાત વર્ષીય ઈસા ગુલબાર તેના પિતા સાથે મેડિકલમાંથી દવા ખરીદવા માટે ઉભી હતી. તે સમયે રખડતા કૂતરાએ તેના પર અચાનક હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિકોએ દરમિયાગીરી કરતા બાળકીને બચાવી લીધી હતી. આ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, ઊંડા ઘાના કારણે તેને પણ સર્જરી કરવાનું જણાવવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં ૨૦ મિનિટની અંદર રખડતા કૂતરાઓએ ચાર બાળકો સહિત પાંચ લોકો પર હુમલો કર્યો હતો. જેમાંથી ત્રણને સામાન્ય ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. એક જ દિવસમાં પાંચ ઘટનાઓ બનતા આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના બાદ સ્થાનિક નેતા અને કાર્યકરોએ પાલિકા અધિકારીઓ પાસે કૂતરાઓ માટે નસબંધી અભિયાનની માંગ કરી હતી.








