Get The App

લોનાવાલા પાસે 5 કિમીનો ટ્રાફિક જામઃ હજારો વાહનો અટવાયાં

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
લોનાવાલા પાસે 5 કિમીનો ટ્રાફિક જામઃ હજારો વાહનો અટવાયાં 1 - image

મિસિંગ લિંક બ્રિજનાં બાકી  કામો, લોડ ટેસ્ટિંગના કારણે જામ સર્જાયો

કોઈ પૂર્વ સૂચના નહિ હોવાથી પ્રવાસીઓમાં ભારે રોષઃ આજે  અને આવીકાલે પણ બપોરે ૧૨થી ત્રણ આ હાઈવે બંધ રહેશે

મુંબઈ  -  મુંબઈ તરફ જતાં મુંબઈ- પુણે એક્સપ્રેસ વે પર બુધવારે લોનાવલા નજીકનો ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જેના કારણે મુસાફરો કલાકો સુધી લગભગ પાંચ કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હતા. લોનવાલાના પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ વચ્ચે વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. આ તમામ બાબતોથી મુસાફરો રોષે ભરાયા હતા.

 અધિકારીઓએ સત્તાવાર મંગળવારે જાહેરાત કરી હતી કે ૨૩ એપ્રિલના રોજ બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી મુંબઈ તરફ જતો ટ્રાફિક સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનોને નેશનલ હાઈવે ૪૮ પર કિવાલે- દેહુ રોડ- તાલેગાંવ થઈને કુરસગાંવ ટોલ પ્લાઝાથી મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

તો  બીજા દિવસે ૨૪ એપ્રિલના રોજ પુણે તરફનો ટ્રાફિક બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. તેથી મુસાફરોને તેમની મુસાફરીનું કાળજીપૂર્વક આયોજન કરવાની સલાહ આપવામાં આવી હતી. 

જો કે, લોનાવલા નજીક ભારે ટ્રાફિક જામની સમસ્યા બાદ વાહનચાલકોએ તેઓને ભીડના કારણ વિશે કોઈ સ્પષ્ટ માહિતી ન આપવામાં આવી હોવાથી અટવાઈ ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો. ઘણા મુસાફરોએ દાવો કર્યો હતો કે તેઓ કલાકો સુધી અહીં ફસાયેલા રહ્યા હતા અને તેમના વાહનો જરા પણ આગળ વધ્યા નથી. જો કે,  સમય જતાં પરિસ્થિતિ વણસતાં મુસાફરો ભારે રોષે ભરાયા હતા.

અધિકારીઓએ  જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવતા મિસિંગ લિંક પ્રોજેક્ટના અંતિમ તબક્કાનું લગતું બાંધકામ હાલમાં  લોનાવલા નજીક ચાલી રહ્યું છે. આમાં ક્રેશ બેરિયર્સ અને રોડ સાઈનેજ ઈન્સ્ટોલ કરવા જેવા છેલ્લા તબક્કાના કામો હાથ ધરવામાં આવ્યા હતા. આના કારણે અહીં કામચલાઉ ધોરણે લેન બંધ કરવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

વધુમાં  નવા બનેલા પુલોના લોડ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યું છે. જેના કારણે ટ્રાફિકની ગતિ વધુ ધીમી પડી રહી છે. આ ટેસ્ટમાં ભારે વાહનોનો સમાવેશ થાય છે. મિસિંગ લિંક પ્રોજેક્ટ  પચ્ચીસ  એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને પહેલી  મે મહારાષ્ટ્ર દિવસના રોજથી ખુલવાનો અંદાજ છે.  અધિકારીઓએ કહે છે કે આનાથી મુસાફરીનો સમય ૩૦ મિનિટ સુધી ઓછો થશે અને લોનાવલા નજીક ભીડ ઓછી થશે.

દરમિયાન  પુલનું ચાલુ કામ અને સુનિશ્ચિત ટ્રાફિક અવરોધોને કારણે આગામી થોડા દિવસોમાં ટ્રાફિક ભારે રહેવાની ધારણા છે.