રત્નાગિરીમાં એસયુવીએ રિક્ષા અને ટ્રકને ટક્કર મારતા 5ના મોત

ધોધમાર વરસાદ દરમિયાન અકસ્માત
મૃતકમાં પતિ, પત્ની, ચાર વર્ષીય પુત્રનો સમાવેશ
મુંબઇ - ભારે વરસાદ દરમિયાન મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ગઇકાલે રાતે એસયુવી ગાડીએ રિક્ષા અને ટ્રકને અડફેટમાં લેતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ, પત્ની, ચાર વર્ષીય પુત્ર સહિત પાંચ જણ મોતને ભેટયા હતા. પોલીસે ઘટના સાથળે પહોંચી વધુ તપાસ આદરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રત્નાગિરીમાં કરાડ ચિપલુણ રોડ પર પિંપળી ખાતે ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગ્યે આ દુર્ઘટના સર્જાઇ હતી.
પિંપળીમાં રહેતો નિયાઝ મોહમ્મદ હુસેન સૈયદ (ઉ.વ.૫૦) તેની પત્ની શબાના (ઉ.વ.૫૦), ચાર વર્ષીય પુત્ર હૈદર સાથે રિક્ષામાં પ્રવાસ કરી રહ્યો હતો. ડ્રાઇવર ઇબ્રાહિમ ઇસ્માઇલ લોણી (ઉ.વ.૬૦) રિક્ષા ચલાવી રહ્યો હતો તે સમયે ઝડપથી આવી રહેલી એસયુવીએ રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાને દૂર સુધી ઢસેડી ગઇ હતી. ત્યારબાદ એસયુબીની સામેની દિશામાંથી આવતા ટ્રક સાથે અથડાઇ હતી.
અકસ્માતમાં રિક્ષામાં બેસેલા પતિ, પત્ની, પુત્ર, ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત એસયુવી ચાલક આસિફ હકીમુદ્દીન સૈફી (ઉ.વ.૨૮)નું મૃત્યું થયું હતું.
આ બનાવની માહિતી મળતા ચિપલૂણ પોલીસ સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.









