ઘણસોલીમાં 5 બસો, અંધેરીમાં 1 બસ , કોલાબામાં કાર આગમાં સળગી
નવી મુંબઈ, મુંબઈમાં ૨૪ કલાકમાં ઠેર ઠેર વાહનો આગમાં સળગ્યાં
ઘણસોલીમાં ડિકમિશન માટે લવાયેલી બસો સળગીઃ એક ઈલે. બસની ફાયરમાં અન્ય ડીઝલ બસો પણ લપેટાઈ
મુંબઈ - નવી મુંબઈના મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ સર્વિસના ઘણસોલી ડેપોમાં પાર્ક કરેલી એક ઈલેક્ટ્રીક બસમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઈલેક્ટ્રીક અને ડીઝલ બસો સહિત પાંચ બસો બળીને ખાખ થઈ ગઈ હતી. ઉપરાંત મંગળવારે ગેટવે ઓફ ઈન્ડિયા નજીક પાર્ક કરેલી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.બીજી તરફ અંધેરી એમઆઈડીસીમાં નવી મુંબઈની જ એક સિટી બસ પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.
નવી મુંબઈના ઘણસોલી એનએમએમટી ડેપોમાં પાર્ક કરેલી એક ઈલેકટ્રીક બસમાં આજે સવારે ૮ વાગ્યાની આસપાસ બસના સમારકામ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ ઘટના સમયે મહાપાલિકાના ઘણસોલી ડેપોમાં ૧૧૧ અન્ય ડીઝલ બસો પાર્ક કરેલ હતી. આ બસોને મહાપાલિકા ટ્રાન્સપોર્ટ સેવામાંથી ડીકમિશન કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
ઘટના બનતા જ ડેપોમાં હાજર કર્મચારીઓએ તરત જ ફાયર વિભાગને સંપર્ક કર્યો હતો. વધુમાં ડેપોમાં હાજર બસ ડ્રાઈવરોએ તત્પરતા બતાવતા બસોને ડેપોમાંથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટનામાં આગ ભીષણ બનતા બાજુમાં પાર્ક કરેલી અન્ય ચાર ડીઝલ બસો સુધી પહોંચી ગઈ હતી. જેથી એક ઈલેક્ટ્રીક અને અન્ય ચાર ડીઝલ બસો બળીને ખાખ થઈ ગઈ હતી.
આ આગની ઘટનામાં આગને બુઝાવવા માટે કોપરખૈરાણે, વાશી, નેરુલથી ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. નવી મુંબઈ મહાપાલિકાના ઘણસોલી ડેપોમાં જાળવણી અને સમારકામ માટે લાગેલી આગમાં બળી ગયેલી ઈલેક્ટ્રીક બસ ૨૮મેથી ડેપોમાં સમારકામ માટે પાર્ક કરવામાં આવી હતી.
આ ઘટનામાં બસો બળી જતા પાલિકાને વ્યાપક નુકસાન થયું હતું. જો કે, આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય ઘટનામાં મંગળવારે રાત્રે ૯.૨૦ વાગ્યાની આસપાસ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક રીગલ સિનેમા પાસે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં સૌપ્રથમ કારમાંથી ઘુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને બાદ આખી કારમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ બાદ ફાયર વિભાગની ટીમે ૨૦ મિનિટની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના સમયે કારમાં કોઈ હાજર ન હોવાથી અહીં મોટી દુર્ઘટના બનતા ટળી હતી.