Mumbai

વિરાર દુર્ઘટનામાં 5ની ધરપકડઃ અગાઉ બિલ્ડરને માત્ર નોટિસો અપાઈ હતી

By GS TEAM
30 Aug 20252 mins read
વિરાર દુર્ઘટનામાં 5ની ધરપકડઃ અગાઉ બિલ્ડરને માત્ર નોટિસો અપાઈ હતી

બિલ્ડર તથા તેના મૃત ભાગીદારના પરિવારજનોની ધરપકડ

બે બિલ્ડિંગમાંથી એક સદંતર ગેરકાયદેઃ બધા ફલેટ નોટરીના આધારે જ છથી દસ લાખમાં વેચાયા હતા

મુંબઈ -  વિરાર-ઈસ્ટમાં બનાવેલી રમાબાઈ ઇમારત ધરાશાયી થયા બાદ ૪૭ વર્ષના બિલ્ડર મિત્તલ સાને તથા તેના ભાગીદારના જમાઈ દળવી  સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે. વિરાર પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને મિત્તલ સાને અને પ્લોટ માલિક પરશુરામ દેસાઈને એમઆરટીપી એક્ટ હેઠળ નોટિસ ફટકારી હતી પરંતુ તેમની સામે ક્યારેય એફઆઈઆર નોંધવામાં આવી નથી.

       વિરારના રમાબાઈ અપાર્ટમેન્ટ્સ નામની બે ઇમારતોમાં ૫૬ પરિવારો રહેતા હતા.તૂટી પડેલી ઇમારત ૨૦૦૯ માં બનાવવામાં આવી હતી, જ્યારે બીજી ઇમારત ૨૦૧૨ માં વસઈ- વિરાર મહાનગરપાલિકા પાસેથી કોઈ પરવાનગી લીધા વિના બનાવવામાં આવી હતી. 

આ કેસની ગંભીરતાને કારણે વિરાર પોલીસે શુક્રવારે કેસની તપાસ મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૩ ને સોંપવામાં આવી હતી. શુક્રવારે પોલીસે જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા દળવીના મૃત્યુ  થયું હતું પણ હવે દળવીની બે દીકરીઓ અને જમાઈઓની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે પ્લોટ તેમના નામે હતો.

 સાનેની પૂછપરછ દરમિયાન, વિરાર-વેસ્ટમાં વીર સાવરકર માર્ગ પર સ્થિત ગુરુકુળ ઈમારતના રહેવાસી સાનએ ે દળવી સાથે ભાગીદારી કરી હતી. તેમની ભાગીદારી મુજબ, ૫૬ ફ્લેટ અને છ ગાળામાંથી ૩૨ ફ્લેટ અને ૩ ગાળા સાનેના હતા. જ્યારે ૨૨ ફ્લેટ અને ૩ ગાળા દળવીના પરિવારના હતા. દળવીના પરિવારજનો આ મિલકતની બાજુમાં આવેલા બંગલામાં રહે છે.

  પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, બધા ફ્લેટ નોટરીના આધારે સાને અથવા દળવી દ્વારા રહેવાસીઓને ફ્લેટ માટે ૬ થી ૧૦ લાખ રૃપિયા લઈને વેચવામાં આવ્યા હતા. સાનેને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો જ્યારે અન્ય ચાર આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

આ વિશે વસઈ-વિરાર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગ્લિસન થોમસ, જે આ કેસમાં ફરિયાદી પણ છે, તેમણે જણાવ્યું હતું કે, મે મહિનામાં તેમણે બિલ્ડરને બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા માટે નોટિસ પાઠવી હતી કારણ કે તે જોખમકારક હતી. રહેવાસીઓને તેને ખાલી કરવા કહ્યું હતું. વારંવાર કહેવા છતાં, કોઈ રહેવાસી બિલ્ડિંગ ખાલી કરવા તૈયાર નહોતો. હવે બાકીની બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાશે. ત્યારે બીજી ઇમારતના રહેવાસીઓને પણ ઘરો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.