Get The App

ચંદ્રપુરના જંગલોમાં 1 વર્ષમાં વાઘના હુમલામાં 47ના મોત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ચંદ્રપુરના જંગલોમાં 1 વર્ષમાં વાઘના હુમલામાં 47ના મોત 1 - image

માનવ મોતની ઘટનામાં ૬૨ ટકાનો ભયજનક વધારો

2024 માં ૨૯ વ્યક્તિ વાઘના હુમલાનો ભોગ બની હતી. વન્ય પ્રાણી-માનવ સંઘર્ષ નિવારવા અનેક પગલા છતાં વધતા હુમલા

મુંબઇ  -  મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વિતેલા વર્ષ દરમ્યાન વાઘના હુમલામાં માનવ-મોતની ઘટનાઓમાં ૬૨ ટકાનો ભયજનક વધારો થયો હતો. ૨૦૨૫માં દરમ્યાન ૪૭ જણનો વાઘે ભોગ લીધો હતો. જ્યારે ૨૦૨૪માં ૨૯ જણ મોતને ભેટયા હતા.

આશ્ચર્યની  વાત એ છે કે વાઘના હુમલા સામે લોકોને રક્ષણ આપવા માટે ફોરેસ્ટ ખાતા તરફથી સતત લેવાઇ રહેલા પગલાં અને અજમાવાઇ રહેલા ઉપાયો છતાં વાઘના ઘાતક હુમલા ઘટવાને બદલે  સતત વધી રહ્યાં છે.

તાજેતરમાં જ ધાબા  ફોરેસ્ટ રેન્જમાં પોતાના ખેતરે જઇ રહેલા શિવરા ગામના માજી સરપંચ વાઘના હુમલાનો ભોગ બન્યા હતા. આ પહેલાં આ જ વિસ્તારમાં બે ખેડૂત અને એક ખેતમજૂર વાઘના હુમલામાં માર્યા ગયા હતા. આમ માનવભક્ષી વાઘે અઠવાડિયામાં ત્રણ જણનો ભોગ લીધા બાદ તેને પકડવામાં આવ્યો હતો અને નાગપુરના  ટ્રાન્ઝીટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો.

ચંદ્રપુરના જંગલની લગોલગ આવેલા ગામડાના લોકોએ વાઘના હુમલા સામે રક્ષણ આપવાની જંગલ ખાતાને વારંવાર માગણી કરી છે. ગ્રામજનો કહે છે કે વાઘના હુમલાના સતત ઝળુંબતા  જોખમને લીધે તેઓ ખેતરોમાં વાવણી કે લવણીના કામ માટે નથી જઇ શકતા, તદુુપત્તા વિણવા નીકળે તેને માથે મોત ભમતું હોય છે અને સૌથી કફોડી દશા ખેતમજૂરોની છે, કારણ મજૂરીએ ન જાય તો પૈસા ન મળે અને પૈસા ન મળે તો ખાય શું ? એટલે ભૂખે મરવાને બદલે વાઘના જોખમનો સામનો કરી ફફડતા હૈયે મજૂરીએ જાય છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતાએ એવો આક્ષેપ કર્યો હતો કે વાઘ અને બીજા પ્રાણીના હુમલામાં થતા મોતને રોકવા માટે અસરકારક પગલાં લેવાની સરકાર દરકાર નથી કરતી.

બીજી તરફ ફોરેસ્ટ ખાતાએ બચાવમાં એવો દાવો કર્યો હતો કે માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને નિવારવા સતત  પગલાં લેવામાં આવી રહ્યાં છે. જંગલની નજીકના વિસ્તારમાં ખેતરોની ફરતે સોલાર ફેન્સ લગાડવામાં આવી છે, હુમલાની જગ્યાએ પ્રાણીને પકડવા પીંજરા ગોઠવવામાં આવે છે, ટ્રેપ કેમેરા લગાડવામાં આવે છે અને વાઘની હિલચાલ પર નજર રાખવા માટે ખાસ ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે.