અહલ્યાનગરમાં 453 કિલોના બોમ્બને એક મહિને ડિફ્યૂૂઝ કરાયો
ફાઇટર જેટમાંથી ખુલ્લાં ખેતરમાં પડી ગયો હતો
બોમ્બની પીન ન ખુલતાં ફાટતા રહી ગયો ઃ ૩૦ દિવસ સુધી કેમ કાર્યવાહી ન થઈ તેનો કોઈ ખુલાસો નહિ
મુંબઇ - અહલ્યાનગર (અહમદનગર) જિલ્લાના રાહુરી તાલુકાના વરવંઠી ગામે ખેતરમાં પડેલા ૪૦૦ કિલોથી વધુ વજનના જીવંત બોમ્બને લશ્કરની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે એક મહિના પછી ડિફ્યુઝ કરતા મોટી ઘાત ટળી હતી. આ બોમ્બ જો ફૂટયો હોત તો આસપાસમાં ભારે ખાનાખરાબી થવાનું જોખમ હતું.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યા મુજબ એક મહિના પહેલાં આ ક્ષેત્રમાંથી પસાર થતા ફાઇટર જેટમાંથી આ બોમ્બ ખેતરમાં પડયો હતો. આટલો ભારે બોમ્બ પડતા ધરતી ધણધણી ઉઠી હતી. સ્થાનિકોએ બોમ્બ વિશે સત્તાવાળાઓને જાણ કર્યા છતાં એ બાબતની નોંધ લેવામાં નહોતી આવી. આખરે ચાર દિવસ પહેલાં ગ્રામજનોએ જિલ્લા કલેકટરને જાણકારી આપ્યા બાદ તેમણે દિલ્હી સંરક્ષણ વિભાગમાં સંપર્ક કર્યો હતો. ત્યાર પછી ૩૦મી એપ્રિલે પુણેથી સેનાની બોમ્બ ડિસ્પોઝલ ટીમ આવી પહોંચી હતી. આ ટીમે સાત ફૂટ ઉંડા ખાડામાંથી બોમ્બ બહાર કાઢ્યો હતો અને તેને નિષ્ક્રિય કર્યો હતો. એક મહિના સુધી કેમ બોમ્બ તરફ ધ્યાન ન અપાયું તેની કોઇ સ્પષ્ટતા કલેકટર કાર્યાલય તરફથી કરવામાં નહોતી આવી.
બોમ્બ ફાટયો હોત તો એક કિ.મી.માં તબાહી મચી જાત
આ બોમ્બ ચાર ફૂટ લાંબો અને ચાર ફૂટ પહોળો હતો અને તેનું વજન ૪૫૩ કિલો હતું. આકાશમાંથી બોમ્બ પડયો ત્યારે ૭ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. એટલે પુણેથી આવેલી લશ્કરની ટીમે જે.સી.બી.ની મદદથી બોમ્બને બહાર કાઢ્યા પછી તેને ડિસ્પોઝ કરવાની કામગીરી પાર પાડી હતી. સદ્ભાગ્યે આ બોમ્બ ફાટતા રહી ગયો હતો. નહીંતર આસપાસના એક કિલોમીટર પરિસરમાં ભારે ખાનાખરાબી થઇ હોત અને ચારેક કિલોમીટરમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હોત.