મુંબઈમાં મહિલા શિક્ષિકે સગીર વિદ્યાર્થીનું શોષણ કર્યું, ફાઈવ સ્ટાર હોટેલમાં લઇ જઇ દારૂ પીવડાવ્યો
Mumbai News : મુંબઈમાં શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધને કલંકિત કરતી ઘટના બની છે. ટોચના સેલિબ્રિટીઓના સંતાનો જ્યાં ભણે છે તેવી એક જાણીતી સ્કૂલની અંગ્રેજી ભાષાની પરિણીત 40 વર્ષીય શિક્ષિકા બિપાશા કુમારેે એક વર્ષ સુધી 16 વર્ષીય વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યું હતું. પોલીસે પોક્સો એક્ટ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધી શિક્ષિકાની ધરપકડ કરી છે. આરોપી શિક્ષિકાએ આ તરુણને જુદી જુદી વૈભવી હોટેલોમાં લઇ જઇ દારૂ પીવડાવી પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી હતાશ થઇ જતાતેે દવાઓ પણ ખવડાવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષિકા આ સગીર વિદ્યાર્થી પ્રત્યે એટલી ઝનૂની બની ગઇ હતી કે તે સ્કૂલ છોડીને જતો રહ્યો છતાં તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી.
આરોપી શિક્ષિકા પરિણીત છે અને જોડિયાં સંતાનોની માતા છે. ડિસેમ્બર,2023માં સ્કૂલના વાર્ષિક સમારંભના સંદર્ભમાં ડાન્સના રિહર્સલ દરમિયાન શિક્ષિકા આ 10મા ધોરણના વિદ્યાર્થી પ્રત્યે આકર્ષિત થઈ હતી. તેણે જાન્યુઆરી, 2024માં કથિત રીતે પહેલી વખત વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યું હતું.
વિદ્યાર્થીએ શરૂઆતમાં શિક્ષિકાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ટાળવા લાગ્યો હતો. પરંતુ શિક્ષિકાએ સ્કૂલ બહારની અન્ય ફ્રેન્ડ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. આ ફ્રેન્ડે પણ આ વિદ્યાર્થીને આ સંબંધ બાંધવા સમજાવ્યો હોવાનું કહેવાય છે. આ ફ્રેન્ડ સામે પણ ગુનો દાખલ કરાયો છે.
વારંવાર સમજાવટ બાદ તરુણે શિક્ષિકાને મળવાનું નક્કી કર્યું હતું. આરોપી મહિલા કારમાં બેસાડી તેને નિર્જન સ્થળે ગઈ હતી. જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે શિક્ષિકાની આ કાર પણ જપ્ત કરી છે.
બાદમાં આ શિક્ષિકાએ કિશોરને દક્ષિણ મુંબઈ અને એરપોર્ટ નજીકથી જુદી જુદી મોંઘી ફાઈવ સ્ટાર હોટલોમાં જાતીય શોષણ કરવા માટે લઈ જવાનું શરૂ કર્યું હતું.શિક્ષિકાએ ઘણી વખત વિદ્યાર્થીને દારૂ પીવડાવી નશામાં ધૂત હાલતમાં જાતીય શોષણ કર્યું હતું.
શિક્ષિકા દ્વારા જાતીય શોષણના કારણે લીધે વિદ્યાર્થી માનસિક તણાવમાં આવી ગયો હતો. શિક્ષિકાએ તેને હતાશા દૂર કરવા ગોળીઓ પણ આપી હતી.
શાળા અભ્યાસ પૂર્ણ થયા બાદ શિક્ષિકા પીછો છોડી દેશે તેવું તરુણને લાગ્યું હતું. તેના પરિવારજનોએ પણ આમ માની શરુઆતમાં ફરિયાદ ટાળી હતી. પરંતુ, શાળા છૂટી ગયા બાદ પણ શિક્ષિકાએ પીછો ચાલુ રાખતાં છેવટે તરુણના પરિવારે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કેસ નોંધી શિક્ષિકાની ધરપકડ કરી હતી. તેને કોર્ટ સમક્ષ રજૂ કરાતાં કોર્ટે આજ સુધીના રિમાન્ડ આપ્યા હતા. જોકે, આજે પોલીસે રિમાન્ડ લંબાવવાની માગણી કરતાં કોર્ટે વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શિક્ષિકાએ અન્ય કોઈ વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યું છે કે કેમ એની પણ તપાસ થઈ રહી હોવાનું કહેવાય છે.
બીજી તરફ સ્કૂલ સંચાલકોએ પોલીસને એમ જણાવ્યું હોવાનું કહેવાય છે કે સ્કૂલના અન્ય કોઈ વાલી દ્વારા તેમને શિક્ષિકા વિરુદ્ધ આ પ્રકારની કોઈ ફરિયાદ મળી નથી. આ ફરિયાદમાં પણ જે ઘટનાક્રમ બન્યો છે તે સ્કૂલના પરિસરમાં બન્યો નથી.