અકોલામાં ૪૪ ડિગ્રીઃ ૧૧ જિલ્લામાં હિટવેવની ચેતવણી
મુંબઈમાં ફક્ત ૩૭ ટકા ભેજ થઈ જતાં દાહક ગરમીનો અનુભવઃ હજુ બે દિવસ આકરી ગરમી રહેશે
મુંબઇ - આજે મુંબઇગરાંને બળબળતા બપોરનો અનુભવ થયો હતો. સાથોસાથ આજે આખું મહારાષ્ટ્ર જાણે કે ઉકળતી ભઠ્ઠી બની ગયું હતું. મુંબઇ, મહારાષ્ટ્રમાં ચામડી દઝાડે તેવો ઉનાળો શરૃ થયો છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે મહારાષ્ટ્રનાં કુલ ૨૧ શહેરોમાં ગરમીનો પારો ૪૦ .૦ થી ૪૪.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉકળતો નોંધાયો હતો. આજે મહારાષ્ટ્રના વિદર્ભનું અકોલા ૪૪.૦ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ રહ્યું હતું. આજે આખા મહારાષ્ટ્રમાં વિદર્ભના નવ જિલ્લા ઉકળતી ભઠ્ઠી બની ગયા હતા.
હવામાન વિભાગે આ વતા બે દિવસ(૧૫,૧૬-એપ્રિલ) દરમિયાન મુંબઇ સહિત કોંકણની સમુદ્રપટ્ટી પરનાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં ગરમી અને ઉકળાટનું વાતાવરણ સર્જાવાની ચેતવણી (યલો એલર્ટ) જારી કરી છે. જ્યારે આવતા ચાર દિવસ(૧૫ થી ૧૮, એપ્રિલ) દરમિયાન મહારાષ્ટ્રના ૧૧ જિલ્લામાં હીટ વેવ( ગરમીનું મોજું) ચેતવણી( યલો એલર્ટ) પણ જારી કરી છે. આ ૧૧ જિલ્લામાં મધ્ય મહારાષ્ટ્ર( સાંગલી, સોલાપુર), મરાઠવાડા(જાલના,પરભણી, હિંગોળી, છત્રપતિ સંભાજીનગર), વિદર્ભ(અકોલા, અમરાવતી,બુલઢાણા, વર્ધા, યવતમાળ) નો સમાવેશ થાય છે.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૬.૦ અને લઘુત્તમ તાપમાન ૨૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૬ -૫૩ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૯ -૩૭ ટકા જેટલું રહ્યું હતું. આજે સાંતાક્રૂઝમાં બપોર બાદ ભેજની માત્રા ઘટીને ફક્ત ૩૭ ટકા જેટલી થઇ ગઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા કરતાં ઓછું થઇ જાય તેનો અર્થ એવો થયો કે આકાશમાં વાદળો ઓછાં હોવાથી ગગન સ્વચ્છ છે. પરિણામે સૂર્યનાં તેજ કિરણો તેની પૂરી શક્તિથી છેક પૃથ્વી સુધી આવે. પરિણામે વાતાવરણમાં ગરમી વધી જાય.
ઓટોમેટિક વેધર સ્ટેશનની માહિતી મુજબ આજે મુંબઇના પશ્ચિમના પરા રામ મંદિરમાં ગરમીનો પારો ૩૮.૦( સૌથી હોટ સ્થળ), વિક્રોલી -૩૭.૨, વિદ્યાવિહાર-૩૬.૨, ચેમ્બુર-૩૫.૮, બાંદ્રા-૩૫.૮, દહિસર-૩૫.૧ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉનો નોંધાયો હતો.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ મુંબઇ સહિત મહારાષ્ટ્ર પર પૂર્વના સૂકા -ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે. સાથોસાથ હાલ મહારાષ્ટ્ર પર એન્ટિ સાયક્લોનની અસર પણ શરૃ થઇ છે. એન્ટિ સાયક્લોનની અસર હોય ત્યારે વાતાવરણના ઉપરના પટ્ટામાં (પૃથ્વીના વાતાવરણના પહેલા ૧૫ કિલોમીટર સુધીના પટ્ટાને ટ્રોપોસ્ફિયર કહેવાય છે) જબરદસ્ત દબાણ સર્જાય છે. પરિણામે હવા ઉપરના વાતાવરણમાં જઇ શકતી નથી. વળી, બપોરે સૂર્યનાં તેજ કિરણોને કારણે જમીનનું તાપમાન વધી જાય છે. હવા પણ ગરમ થઇ જાય. જોકે આ ગરમ હવા ઉપરના હિસ્સામાં જઇ શકતી નથી અને નીચેના વાતાવરણમાં જ ગોળ ગોળ ઘુમ્યા કરે છે. આ બધાં પરિબળોને કારણે સમગ્ર વાતાવરણ ગરમ થઇ જાય અને મહત્તમ તાપમાન પણ વધી જાય.
આજે મહારાષ્ટ્રના અકોલામાં ગરમીનો પારો ૪૪.૦ ડિગ્રી, અમરાવતી-૪૩.૮, વર્ધા-૪૩.૫, સોલાપુર-૪૩.૨, યવતમાળ-૪૨.૬, જળગાંવ-૪૨.૫, વાશીમ-૪૨.૪, ચંદ્રપુર-૪૨.૨, નાગપુર-૪૨.૨, પરભણી-૪૨.૧, બુલઢાણા -૪૧.૬, માલેગાંવ-૪૧.૬, જેઉર-૪૧.૫, સાંગલી-૪૧.૪, છત્રપતિ સંભાજીનગર -૪૧.૪, સાતારા-૪૦.૯, બીડ-૪૦.૯, ધારાશિવ-૪૦.૮, ઉદગીર-૪૦.૪, બારામતી-૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલો અસહ્ય નોંધાયો હોવાના સમાચાર મળે છે.


