ચારેયના
મૃતદેહમાંથી ઝીંક ફોસ્ફાઈડના અંશો મળ્યા
જોકે, ઝેર કેવી રીતે શરીરમાં
આવ્યું તે રહસ્યઃ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં તપાસ
મુંબઈ -
દક્ષિણ
મુંબઈના પાયધુની વિસ્તારમાં ગયા મહિને એક પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મૃત્યુમાં
મોટો ખુલાસો થયો છે. શરૃઆતમાં બિરયાની અથવા તરબૂચ ખાધા બાદ ખોરાકી ઝેરથી તેમના મોત
નિપજ્યા હોવાની શંકા હતી. જોકે
તપાસકર્તાઓએ હવે શોધી કાઢયું છે કે મોત વાસ્તવમાં ઉંદર મારવાનાં ઝેરથી થયું
હતું.
મૃતક પતિ,પત્ની, બે પુત્રીના શરીરમાં ઝીંક ફોસ્ફાઇડ (સામાન્ય
રીતે ઉંદર મારવાના ઝેરમાં વપરાતું ઝેરી
રસાયણ)ના નિશાન મળી આવ્યા છે, એમ એક અધિકારીએ ગુરુવારે
જણાવ્યું હતું.આ ચોંકાવનારા રિપોર્ટથી
તપાસની દિશા સંપૂર્ણપણે બદલી નાખી છે.
અધિકારીએ ઉમેર્યું કે મૃતક અબ્દુલ્લા
દોકાડિયા (૪૪), તેની પત્ની નસરીન (૩૫) તેમજ પુત્રીઓ આયેશા (૧૬) અને ઝૈનેબ (૧૩) ના
આંતરડાની તપાસ કરનારા નિષ્ણાતોને ઝીંક ફોસ્ફાઇડના નિશાન મળ્યા હતા.આમ પરિવારનું
મૃત્યુ તરબૂચ ખાવાથી થયું ન હોવાનું સ્પષ્ટ થયું છે.
જોકે એ સ્પષ્ટ નથી કે ઉંદર મારવાનું ઝેર
આકસ્મિક રીતે કે જાણી જોઈને આપવામાં
આવ્યું હતું.આખા પરિવારે આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું હશે એના અત્યાર સુધી
અમને કોઈ મજબૂત કારણ મળ્યું નથી .આ મામલાની
જેજે માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સંબંધીઓ અને પડોશીઓના
નિવેદનો નોંધવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું.
મૂળ ઘટના મુજબ પાયધુનીમાં ઇસ્માઇલ કુર્તે રોડ પર આવેલા ઘારી મોહલ્લાના
રહેવાસી દોકાડિયા પરિવારે ગત પચ્ચીસમી
એપ્રિલની રાત્રે ઘરે સંબંધીઓનો મેળાવડો યોજ્યો હતો. મહેમાનો ગયા પછી રાત્રે લગભગ
એક વાગ્યે પતિ,પત્ની, બે પુત્રીએ તરબૂચના ટુકડા ખાધા હતા.
૨૬
એપ્રિલની વહેલી સવારે તેમને ઉલ્ટી અને ઝાડા થતા તબિયત બગડી હતી.તેમને
સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી સરકારી જેજે હોસ્પિટલમાં રિફર
કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચારેયના મોત થયા હતા.
તબીબી સારવારમાં બેદરકારી સહિતના તમામ પાસાંની
તપાસ
જે જે હોસ્પિટલમાં પરિવારના સભ્યોની સારવાર
કરવામાં આવી હતી. ત્યાં ડેથ ઓડિટ પણ શરૃ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા
દ્વારા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે
પીડિતોને આપવામાં આવતી તબીબી સારવારમાં કોઈ વિલંબ, બેદરકારી કે ખામી હતી કે નહીં. હોસ્પિટલના
અધિકારીઓએ જણાવ્યું છે કે દર્દીઓ સાથે
તબીબી પ્રોટોકોલ અનુસાર સારવાર
કરવામાં આવી હતી. આ બાબતની વધુ તપાસ માટે ડોકટરોની એક સમિતિની રચના કરવામાં આવી છે
અને ભવિષ્યની કાર્યવાહી અંતિમ અહેવાલમાં રજૂ કરાયેલા તારણો પર આધારિત રહેશે.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ પણ આ કેસ
સાથે જોડાયેલા તમામ સંભવિત પાસાઓની તપાસ કરવા માટે જોડાઈ છે. અધિકારીઓએ જણાવ્યું
હતું કે તપાસ દરમિયાન જરૃર પડયે નિષ્ણાતોના મંતવ્યો માંગવામાં આવી શકે છે.અગાઉના
તબીબી અહેવાલોએ પહેલાથી જ ફૂડ પોઈઝનિંગની શક્યતાને નકારી કાઢી હતી. તપાસકર્તાઓ હવે
સંપૂર્ણપણે પીડિતોના શરીરમાં ઝીંક ફોસ્ફાઇડ કેવી રીતે પ્રવેશ્યું અને ઝેર તરફ દોરી
જતા સંજોગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


