અનિલ પવાર, રેડ્ડી સહિત 4 ભ્રષ્ટ મ્યુ. અધિકારીઓની ઈડી દ્વારા ધરપકડ
વસઈ વિરારમાં ભ્રષ્ટાચાર મુદ્દે માજી મ્યુ. કમિશનર, ટાઉન પ્લાનર સાણસામાં
નાલાસોપારાની ૪૧ ગેરકાયદે ઈમારતો બાંધનારા માજી કોર્પોરેટર સીતારામ ગુપ્તા તથા અરુણ ગુપ્તા પણ ઝડપાયાઃ આડેધડ બાંધકામ મંજૂરી કરી ટંકશાળ પાડી હતી
મુંબઈ - વસઈ-વિરારમાં ૪૧ ઈમારતોના ગેરકાયદે બાંધકામ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ે વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવાર, નગર રચના વિભાગના સસ્પેન્ડેડ ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ રેડ્ડી સહિત ચારની ધરપકડ કરી હતી.
ઇડીએ વસઈ-વિરારમાં અનધિકૃત બાંધકામોના કેસમાં આ કાર્યવાહી કરી હતી. આરોપીઓમાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને બાંધકામ વ્યાવસાયિક સીતારામ ગુપ્તા અને અરુણ ગુપ્તાનો પણ સમાવેશ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે બધા આરોપીઓને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઇડીએ અનિલ પવારના નિવાસસ્થાન સહિત ૧૨ સ્થળોએ દરોડા પાડયા હતા. આમાં વસઈ-વિરાર, મુંબઈ, પુણે અને નાસિકમાં સ્થળોનો સમાવેશ થાય છે. દરોડામાં, નાસિકમાં પવારના સંબંધીના ઘરેથી ૧.૩૩ કરોડ રૃપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સૂત્રોએ માહિતી આપી હતી કે આ કાર્યવાહીમાં મિલકતના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. નાસિક અને પુણેમાં દરોડામાં અનિલ કુમાર પવાર સાથે સંબંધિત બિનહિસાબી સંપત્તિની માહિતી મળી છે. કેટલાક સમજૂતી પત્રો પણ મળી આવ્યા છે. તેમ જ એવું જાણવા મળ્યું હતું કે વેરહાઉસ ખરીદવા માટેનો વ્યવહાર ચાલી રહ્યો છે. ઇડીને કેટલીક નકલી કંપનીઓ વિશે પણ માહિતી મળી છે.
વાય.એસ રેડ્ડી સાથેના સંબંધમાં કરાયેલા દરોડામાં ૮ કરોડ ૬૦ લાખ રોકડા અને ૨૩ કરોડ ૨૫ લાખ રૃપિયાના હીરાના દાગીના અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે ઘણા વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડીએ મીરા-ભાયંદર પોલીસ કમિશનરેટ દ્વારા નોંધાયેલા વિવિધ ગુનાઓના આધારે આ કેસમાં તપાસ શરૃ કરી હતી. આ કેસમાં, એવું જાણવા મળ્યું છે કે લગભગ ૬૦ એકર વિસ્તારમાં ૪૧ રહેણાંક અને કમશયલ ઇમારતો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. હકીકતમાં, આ પ્લોટ પર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવ્યું હતું. આરોપીઓએ ત્યાં અનધિકૃત બાંધકામ કરવાનું કાવતરું ઘડયું હતું. આ માટે, આરોપી બિલ્ડરો અને સ્થાનિક દલાલોએ નકલી મંજૂરી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દ્વારા સામાન્ય નાગરિકોનો વિશ્વાસ મેળવીને મોટી સંખ્યામાં ફ્લેટ વેચવામાં આવ્યા હતા. આના કારણે ઘણા ગરીબ અને નિર્દોષ નાગરિકો છેતરાયા હતા. ૮ જુલાઈ, ૨૦૨૪ ના રોજ, હાઇકોર્ટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ૪૧ ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેની સામે, રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં ખાસ પરવાનગી અરજી દાખલ કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ, ૨૦ ફેબ્આરી, ૨૦૨૫ ના રોજ, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ ૪૧ ઇમારતો સામે કાર્યવાહી કરી. ઇડીની તપાસમાં બહાર આવ્યું કે ભૂતપૂર્વ કમિશનર, ડેપ્યુટી ડિરેક્ટર ઓફ ટાઉન પ્લાનિંગ, જુનિયર એન્જિનિયર્સ, આકટેક્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યસ્થી સંગઠિત રીતે ગેરકાયદેસર બાંધકામમાં સામેલ હતા. ભૂતપૂર્વ કમિશનર અનિલ પવારે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર, અનિલ પવારની નિમણૂક પછી, પ્રોજેક્ટના કુલ વિસ્તારને કમિશનર માટે પ્રતિ ચોરસ ફૂટ ૨૦ થી ૨૫ રૃપિયા અને નગર રચના આયોજનના વાય.એસ. રેડ્ડી માટે પ્રતિ ચોરસ ફૂટ ૧૦ રૃપિયાની લાંચની રકમ લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે એવું બહાર આવ્યું હતું કે અનિલ પવારે તેમના પરિવાર, સંબંધીઓ અને અનામી વ્યક્તિઓના નામે ઘણી કંપનીઓ સ્થાપી હતી, જેના દ્વારા એકત્રિત કરાયેલી લાંચના પૈસા વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા હતા. આ નકલી કંપનીઓ વસઈ-વિરાર કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી. તેઓ મુખ્યત્વે રહેણાંક ટાવર પુનઃવિકાસ, વેરહાઉસ બાંધકામ વગેરેમાં રોકાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઇડીએ તાજેતરમાં આ સંદર્ભમાં અનિલ પવાર અને તેમની પત્નીની પણ પૂછપરછ કરી હતી.