યતવમાળમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં 4 બાળકોનાં મોત
રેલવે લાઈનના કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો
નવી મુંબઈમાં ડ્રિંક પાર્ટી બાદ તળાવમાં તરવા જતા યુવકનું ડૂબી જતા મોત
મુંબઈ - મહારાષ્ટ્રમાં યવતમાળમાં રેલવે સ્ટેશન પાસે પાણી ભરેલા ખાડામાં ચાર યુવક ડૂબી ગયા હતા. અન્ય એક ઘટનામાં ે માનખુર્દનો એક યુવક તેના મિત્રો સાથે નવી મુંબઈમાં ફરવા જતા ગોથીવલીના તળાવમાં ડૂબી ગયો હતો.
વિગત મુજબ, યવતમાળમાં વર્ધા- નાંદેડ રેલવે લાઈનનું કામ ચાલી રહ્ય્યું છે. જેમાં ઓવરબ્રિજ માટે દરવા-નેટ રુટ પર એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. ભારે વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેમાં બુધવારે સાંજે ચાર બાળકો ન્હાવા માટે ખાડામાં ઉતર્યા હતા.
જો કે, આ સમયે પાણીનો ચોક્કસ અંદાજ ન રહેતા તેઓ ખાડામાં રહેલા કાદવમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યા હતા. બાળકોને ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ મોકલાયાં હતાં પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
અન્ય ઘટનામાં માનખુર્દના ડો. બાબાસાહેબ આંબેડકર નગરની ન્યુ મ્હાડા કોલોનીનો ૩૦ વર્ષીય આદિત્ય સિંહ તેના બે મિત્રો સાથે નવી મુંબઈના ગોથીવલી તળાવ પાસે ગયો હતો. અહીં ત્રણેયએ ડ્રિંક પાર્ટી કર્યા બાદ આદિત્યે તળાવમાં તરવાનું નક્કી કરતા ૯.૩૦ વાગ્યાની આસપાસ તે તળાવના પાણીમાં ઉતર્યો હતો. જો કે, પાણીનો ચોક્કસ અંદાજ ન રહેતા તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
આ સમયે તેના બંને મિત્રોએ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી કરતા આદિત્યને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જો કે, મધ્યરાત્રીએ ૧.૫૫ વાગ્યાની આસપાસ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે બંને કેસમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.