વૃક્ષ ધરાશાયી થતાં બસો ઉભી રહી ગઈ અને અથડામણ
ટ્રાફિક જામ કેમ થયો છે તે જોવા કન્ડકટર નીચે ઉતર્યા અને પાછળ આવતી બસે ટક્કર મારીઃ કોઈ પ્રવાસીને ઈજા નહિ
મુંબઈ - મુંબઈના પશ્ચિમ ઉપનગર અંધેરીમાં ચાર બેસ્ટ બસના વિચિત્ર અકસ્માતમાં એક કંડક્ટરનું મોત થયું હતું.જ્યારે એક વેટ-લીઝ બેસ્ટ બસ ઝાડ પડવાને કારણે રસ્તા પર ફસાયેલી ત્રણ બસોને ટક્કર મારી હતી.અંધેરી પશ્ચિમના અંબોલી નાકા ખાતે થયેલા આ અકસ્માતમાં બેસ્ટના એક કંડક્ટરનું મોત થયું છે.
આ અકસ્માત ગુરુવારે બપોેરે અંધેરી પશ્ચિમના અંબોલી નાકા અને રાજકુમાર બસ સ્ટોપ વચ્ચે થયો હતો. બેસ્ટ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રસ્તા પર એક ઝાડ પડી ગયું હતું. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.તે સમયે રસ્તા પર એક પછી એક ત્રણ બસો રોકાઈ ગઈ હતી.
ત્યારે બસ નંબર ૨૫૧ પાછળથી આવી હતી. તેના ડ્રાઇવરે સમયસર બ્રેક લગાવી નહોતી. આથી ડ્રાઈવરે બસ પરથી નિયત્રણ ગુમાવ્યું હતું.આથી આ બસે આગળ ઉભેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. આ વિચિત્ર અકસ્માતમાં ચાર બસોને નુકસાન થયું હતું. .
બેસ્ટ બસ રૃટ નંબર ૨૬૬/૩૨ના કંડક્ટર બાવન વર્ષીય શેખર બાબુરાવ આપ્ટે રસ્તા પરનો ટ્રાફિક જામની તપાસ કરવા નીચે ઉતર્યા હતા. તે ટ્રાફિક જામમાં ફસાયેલી બસોની પાછળ ચાલી રહ્યા હતા. તે જ સમયે એક બસે તેમને પાછળથી ટક્કર મારી હતી. કંડક્ટર શેખર બે બસો વચ્ચે આવી ગયો હતો.બે બસો વચ્ચે કચડાઈ જતા શેખર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત બાદ, તેમને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ અકસ્માતને કારણે આંબોલી નાકા વિસ્તારમાં ટ્રાફિક જામમાં વધારો થયો હતો. થોડા સમય પછી પોલીસ અકસ્માત સ્થળે પહોંચી હતી.અકસ્માતગ્રસ્ત બસ અને પડી ગયેલા ઝાડને દૂર કર્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.
પોલીસે અકસ્માતની તપાસ શરૃ કરી છે. બેસ્ટના કર્મચારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ એકત્રિત કરવાનું શરૃ કર્યું છે.
આ મામલો હાલમાં ચકાસણી અને વિગતવાર તપાસ હેઠળ છે. બેસ્ટે અકસ્માતના કારણો અને સંજોગોની તપાસ કરવા અને જરૃરી પગલાં લેવાની ભલામણ કરવા માટે એક તપાસ સમિતિની રચના કરી છે.


