ખંડણીમાં રોકડ ઉપરાંત ગોલ્ડ કોઈન માગ્યા
ચારેય આરોપી મૂળ ધનબાદનાઃ બિશ્નોઈ ગેંગનું નામ વટાવવા પ્રયાસ
મુંબઈ - બોરિવલી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો તરીકે ઓળખાણ આપીને એક ઝવેરી પાસેથી રુ. ૩૦ લાખની ખંડણી માંગવાનો પ્રયાસ કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વેપારી પાસેથી સોનાના સિક્કા સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આ કેસમાં મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ ૧૮ ફેબ્રુઆરીથી ૨૪ ફેબુ્રઆરી દરમિયાન ફરિયાદી ઝવેરીને વારંવાર વોટ્સએપ ફોન કરી અને મેસેજ કરીને રુ. ૩૦ લાખની માંગણી કરી હતી. આ ધમકીઓ આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આપવામાં આવી હતી.
આમાં ફોન કરનારાઓએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો અને જો માંગણી પૂરી ન થઈ તો ઝવેરી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેના કારણે ફરિયાદ ગભરાઈ ગયા હતા.
ફરિયાદના આધારે બોરિવલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને કોલ ડિટેલ રેકોર્ડ અને મોબાઈલ લોકેશનનું વિશ્લેષણ કરીને ટેકનિકલ તપાસ શરુ કરી હતી.
દરમિયાન ફરિયાદીએ આરોપીઓને બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાને બદલે ખંડણીની રકમ રોકડ અને સોનાના સિક્કાના રુપમાં આપવાનો આગ્રહ રાખ્યો હતો. આ યોજના પર કાર્યવાહી કરતા પોલીસે માહિમ વિસ્તારમાંથી ૨૯ વર્ષીય રિયાઝુદ્દીન બશીરને સોનાના સિક્કા સ્વીકારતા રંગે હાથ પકડી પાડયો હતો અને તેની કબૂલાતના આધારે બાંદ્રા અને જોગેશ્વરીમાંથી વધુ ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
આ ચારેય આરોપીઓ ઝારખંડના ધનબાદના રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ સંગઠિત રીતે કામ કરી રહ્યા હતા અને એક કુખ્યાત ગેંગના નામનો દુરુપયોગ કરીને ફરિયાદી પાસેથી મોટી રકમ પડાવવાની યોજના બનાવી રહ્યા હતા.
પોલીસે આરોપીઓના મોબાઈલ ડેટા, બેંક વ્યવહારો અને સંપર્કોની તપાસ હાથ ધરી હતી. જેથી તેઓ વાસ્તવિક લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે કે નહીં તે અંગે જાણી શકાય. વધુમાં વોટ્સએપ કોલ કરીને ધમકી આપનાર મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરાઈ હતી.
આ સંદર્ભમાં મુંબઈ પોલીસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે કોઈપણ ધમકી અથવા ખંડણીના કોલની તાત્કાલિક પોલીસને જાણ કરે અને દબાણ હેઠળ કોઈપણ ચુકવણી કરવાથી દૂર રહે.


